'NISAR' ઉપગ્રહને શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે
બેંગ્લોરઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો અને નાસાના સંયુક્ત મિશન 'NISAR' ઉપગ્રહને આજે સાંજે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. ઇસરોએ સોશિયલ મીડિયા એક્સ પર આપી જાણકારી...1.5 બિલિયન ડૉલરનું આ મિશન પૃથ્વીની સપાટી પર નજર રાખવામાં મદદરૂપ થશે. NISAR ઉપગ્રહ દર 12 દિવસે પૃથ્વીની જમીન અને બર્ફીલા સપાટીઓને સ્કેન કરશે અને કુદરતી આફતો પર નજર રાખવામાં મદદ કરશે. તેને ભારતના GSLV-F16 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે.
NISAR ની મદદથી પૃથ્વીના દરેક ક્ષેત્ર પર નજર રાખવી શક્ય બનશે. આ ઉપગ્રહ 740 કિલોમીટરની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવશે. તે એક અત્યાધુનિક રડાર ઉપગ્રહ છે, જે વાદળો અને વરસાદ છતાં 24 કલાક પૃથ્વીના ફોટા લઈ શકે છે. તેનો હેતુ પૂર, હિમનદીઓ, દરિયાકાંઠાના ધોવાણ જેવી કુદરતી ઘટનાઓ પર નજર રાખવાનો અને તેના વિશે આગોતરી માહિતી આપવાનો છે. તેનાથી દુશ્મન દેશોની ગતિવિધિઓ પર નજર રાખવામાં પણ મદદ મળશે.
મિશન NISAR પાછળનો ખર્ચ લગભગ 11 હજાર 240 કરોડ રૂપિયા છે. તે માત્ર ભારત અને અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ફાયદાકારક રહેશે. તે એક સેન્ટીમીટર સ્તર સુધી સચોટ ફોટોગ્રાફ્સ લેવા અને ટ્રાન્સમિટ કરવામાં સક્ષમ છે. તેમાં નાસા દ્વારા વિકસિત એલ-બેન્ડ રડાર અને ઇસરો દ્વારા વિકસિત એસ-બેન્ડ રડાર ફીટ કરવામાં આવ્યા છે, જે વિશ્વમાં સૌથી અદ્યતન માનવામાં આવે છે.આ મિશન ફક્ત કુદરતી આફતોની આગાહી અને સંચાલનમાં જ મદદ કરશે નહીં પરંતુ કૃષિ, આબોહવા પરિવર્તન અને જમીનની ભેજનો સચોટ અંદાજ લગાવવા માટે ડેટા પણ મોકલશે.