નિરમા યુનિવર્સિટીના કર્મચારીએ 5 કરોડની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ
- કર્મચારીએ બુક રિફંડના નાણા પોતાના મિત્ર, સંબંધીના ખાતામાં ટ્રાન્સફર કર્યા,
- સ્ટુડન્ટ એક્ટિવિટીના પૈસા પોતાના અંગત કામ માટે ઉપયોગમાં લીધા,
- પોલીસે કર્મચારી સહિત 7 શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરના એસજી હાઈવે પર આવેલી નિરમા યુનિવર્સિટીના એક કર્મચારીએ રૂપિયા 5 કરોડની ઉચાપત કર્યાની સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાવામાં આની છે. યુનિવર્સિટીની કર્મચારી પ્રકાશ કોઠારીએ બુક રિફંડના નાણાં વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતા હતા તે નાણા પ્રકાશે પોતાના મિત્ર અને સંબંધીઓના ખાતામાં ટૂકડે ટૂકડે બે વર્ષમાં ટ્રાન્સફર કર્યા હતાં.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નિરમા યુનિવર્સિટીના વિધાર્થીઓએ બુક્સ માટે એડવાસ રૂપિયા આપ્યા હતા, જે અભ્યાસના અંતે પરત આપવાના હતાં. નિરમા યુનિવર્સિટીના કર્મચારીએ પોતાના મિત્રો અને સબંધીઓને વિધાર્થીઓ તરીકે બતાવી તેમના ખાતામાં ટુકડે ટુકડે 5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા છે. નિરમા યુનિવર્સિટીએ સોલા પોલીસ સ્ટેશનમાં કર્મચારી સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
નિરમા યુનિવર્સિટીના સૂત્રોના કહેવા મુજબ નિરમા યુનિવર્સિટીમાં વિવિધ એક્ટિવિટી ચાલી રહી છે. આ એક્ટિવિટી અનુસંધાને મેનેજમેન્ટ અને કોમર્સના એજ્યુકેશનના કોર્સના બુક્સ માટે એડવાન્સ રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક લેવાના હોય છે. પૈસા માટે યુનિવર્સિટી દ્વારા ત્રણ અલગ અલગ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા છે. પૈસા રિફંડ ચૂકવવા માટે પણ કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. કમિટીના સભ્યો પૈકી બે સભ્યોની સહીથી ખાતામાંથી રૂપિયાની ચુકવણી થાય છે. આ ખાતાનું મેનેજમેન્ટ કરવા માટે યુનિવર્સિટી દ્વારા પ્રકાશ ઠાકોર નામના કર્મચારીની નિમણૂક કરવામાં આવી હતી. 10 સપ્ટેમ્બરના રોજ વાર્ષિક ઓડિટ કરાવવાનું હતું ત્યારે પ્રકાશ ઠાકોરને હાજર રહેવા જણાવ્યું હતું, પરંતુ તે ઓડિટર પાસે જતો નહોતો અને હાજર પણ રહેતો ન હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, તેણે સ્ટુડન્ટ એક્ટિવિટીના પૈસા પોતાના અંગત કામ માટે ઉપયોગમાં લીધા છે. જેથી યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. યુનિવર્સિટીની તપાસમાં જાણવા મળ્યું હતું કે, પ્રકાશ ઠાકોરે તેના મિત્રો અને ઓળખીતા નિકેતન, હર્ષિલ લહેરી, નંદકિશોર, મહેશ છાપ્યા, જૈનમ વીરા અને રોહિત ઠાકોરના એકાઉન્ટમાં યુનિવર્સિટીના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
આ ઉપરાંત તેણે તમામ વ્યક્તિઓને પણ અન્ય વ્યક્તિઓના એકાઉન્ટ આપવાનું કહીને તેમને કમિશન આપવાનું જણાવ્યું હતું. જેથી અન્ય ખાતા પણ આવતા પ્રકાશ ઠાકોરે તેના મિત્રો પરિચિત અને સંબંધીઓના ખાતામાં બે વર્ષમાં 5 કરોડ જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી.
નિરમા યુનિવર્સિટીમાં તેના મિત્રો, પરિચિત અને સંબંધોના ખાતા વિદ્યાર્થીઓના ખાતા તરીકે બતાવીને રિફંડના નાણાં પરત આપવાનું જણાવી કમિટીના સભ્યોની સહી પણ મેળવી લીધી હતી. આમ બે વર્ષમાં ટુકડે ટુકડે 5 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસે પ્રકાશ ઠાકોર અને તેના અન્ય છ સાથીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.