કચ્છ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામડાઓમાં રાત્રે બ્લેકઆઉટ કરાયું
- બીજી સુચના ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટનો અમલ કરાશે
- સરહદી વિસ્તારોના ગામડાંમાં લોકોને ઘરમાં રહેવા સુચના અપાઈ
- ગાંધીનગર કંટ્રોલ રૂમથી સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ
અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તનાવભરી સ્થિતિમાં ગુજરાતના સરહદી જિલ્લાઓમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સરહદી વિસ્તારના ગામડાંઓમાં બ્લેકઆઉટ જાહેર કરાયો છે. જેમાં કચ્છ અને બનાસકાંઠાના સરહદી ગામડાંઓમાં લોકો સ્વયંભૂ બ્લેકઆઉટનું પાલન કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના 12 ગામ અને વાવ તાલુકાના 12 ગામમાં પણ બ્લેકઆઉટ કરાયું છે.
પાકિસ્તાન દ્વારા દેશના સરહદી વિસ્તારોમાં સંભવિત ડ્રોન એટેક અને મિસાઇલ હુમલા સામે કેન્દ્રીય ગૃહ વિભાગે સરહદી વિસ્તારોને સતર્ક રહેવા આદેશ આપ્યો હતો. કેન્દ્રના આદેશને પગલે નલિયા, નખત્રાણા સહિત સમગ્ર કચ્છમાં અંધારપટ છવાયો હતો. શહેરી વિસ્તારોમાં જ નહી, ગ્રામ્ય વિસ્તારોમાં ય લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. સ્થાનિક તંત્રે લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી. સમગ્ર સરહદી વિસ્તારોમાં લશ્કરી દળોએ મોરચો સંભાળ્યો છે. પાકિસ્તાનની તમામ લશ્કરી હરકત પર બાજ નજર રાખવામાં આવી છે. ભૂજ એરપોર્ટ પર વાયુસેના એલર્ટ પર છે. કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા સેના સજ્જ છે.
યુદ્ધની પરિસ્થિતિમાં કેવી સાવચેતી રાખવી તે અંગે લોકોને જ મોકડ્રીલમાં જ સમજ આપવામાં આવી હતી. ગુરૂવારે પણ સરહદી વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે રહેવા સૂચના અપાઇ હતી. બનાસકાંઠા અને કચ્છના સરહદી ગામોના લોકોને પણ યુદ્ધની સ્થિતિથી વાકેફ કરી સાવચેત કરાયાં છે. કલેક્ટર સહિત સ્થાનિક તંત્ર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે. સરહદી વિસ્તારોની ખાનગી-સરકારી હોસ્પિટલોને પણ ડોક્ટરો,પેરા મેડિકલ સ્ટાફથી સજ્જ રખાઇ છે. દવાનો પુરતો જથ્થો મોકલી દેવાયો છે. વીજપુરવઠો ખોરવાય તો વૈકલ્પિક વ્યવસ્થા પણ સ્થાનિક તંત્રે ગોઠવી દીધી છે. પાટનગર ગાંધીનગર કંટ્રોલરૂમથી સમગ્ર સ્થિતિનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.