મુંબઈ આતંકવાદી કેસમાં તહવ્વુર રાણાની 18 દિવસની કસ્ટડી એનઆઈએએ મેળવી
નવી દિલ્હીઃ ૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાની ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા પછી તરત જ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાણાને લઈ વિશેષ ફ્લાઇટ નવી દિલ્હી પહોંચતા જ NIA તપાસ ટીમે એરપોર્ટ પર તમામ જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી રાણાની ધરપકડ કરી હતી. રાણાને ગઈકાલે રાત્રે પટિયાલા હાઉસ કોર્ટમાં ખાસ NIA જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી રાણાને 18 દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ NIA દ્વારા શરૂ કરાયેલી કાર્યવાહી મુજબ રાણાને અમેરિકામાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. રાણાએ પ્રત્યાર્પણ ટાળવા માટે અનેક અરજી અપીલો દાખલ કરી હતી,જેને નકારી કાઢવામાં આવી હતી. ભારતના વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના અથાક અને સતત પ્રયાસોને પરિણામે તેનું સફળ પ્રત્યાર્પણ શક્ય બન્યું હતું. દરમિયાન રાણાના પ્રત્યાર્પણ પછી, અમેરિકી વિદેશ વિભાગે વૈશ્વિક આતંકવાદ સામે લડવા માટે ભારત સાથે કામ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
અમેરિકી વિદેશ વિભાગેના પ્રવક્તા ટેમી બ્રુસે મીડિયાને જણાવ્યું હતું કે અમેરિકાએ હુમલા માટે જવાબદાર લોકોને જવાબદેહ ઠેરવવાના ભારતના પ્રયાસોને સતત સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકાએ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવા બદલ તહવ્વુર રાણાનું ભારત પ્રત્યાર્પણ કર્યું છે. હુમલાઓમાં છ અમેરિકન નાગરિકો સહિત ૧૬૬ લોકો માર્યા ગયા હતા. શ્રી બ્રુસે કહ્યું કે અમેરિકા અને ભારત આતંકવાદના વૈશ્વિક ખતરાનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.