પંજાબ ટેરર કોન્સપિરેસી કેસમાં NIAએ કુખ્યાત આતંકી લખબીરના સાગરિતો સામે ચાર્જશીટ ફાઈલ કરી
હરિયાણાઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પંજાબ આતંકવાદી ષડયંત્ર કેસમાં ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહના 2 સહયોગીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. NIAએ જસપ્રીત સિંહ ઉર્ફે જાઝ અને બલજીત સિંહ વિરુદ્ધ મોહાલીની વિશેષ NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ બંને શકમંદો પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા હતા અને લખબીર સિંહ માટે કામ કરતા હતા.
NIAને તેની તપાસમાં ખુલ્યું હતું કે, જસપ્રીત સિંહ ઉર્ફે જાઝ લખબીર સિંહનો ગ્રાઉન્ડ ઓપરેટિવ હતો. જસપ્રીત પર લખબીર સિંહના ડ્રગ સ્મગલિંગ અને ખંડણી રેકેટને હેન્ડલ કરવાનો આરોપ છે. NIAની તપાસમાં સામે આવ્યું છે કે બલજીત સિંહ સ્થાનિક રીતે શસ્ત્રોનું ઉત્પાદન કરતો હતો અને તેને સોશિયલ મીડિયા દ્વારા લખબીર સિંહ ઉર્ફે લંડાના ગેંગ ઓપરેટિવ્સને પહોંચાડતો હતો.
બલજીત આર્મ્સ સપ્લાયર હતો, જે દેશના અલગ-અલગ ખૂણે આતંકવાદીઓને હથિયાર અને દારૂગોળો પહોંચાડતો હતો. તપાસ દરમિયાન, NIAએ તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો, ડ્રગ્સ, ડ્રગ્સમાંથી મેળવેલા પૈસા, ડિજિટલ ઉપકરણો અને ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા હતા. બલજીત સિંહ મધ્યપ્રદેશના બરવાની જિલ્લાનો રહેવાસી છે. 18 જુલાઈ 2024ના રોજ પંજાબમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
ગૃહ મંત્રાલયે કેનેડા સ્થિત 33 વર્ષીય ગેંગસ્ટર લખબીર સિંહને આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આતંકવાદી ગતિવિધિઓ સિવાય, તે 2021 માં મોહાલીમાં પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ હુમલામાં સામેલ હતો. લખબીર સિંહ ઉર્ફે લંડા 2017માં કેનેડા ભાગી ગયો હતો. ગૃહ મંત્રાલયે તેની ઓળખ કુખ્યાત ખાલિસ્તાની જૂથ BKIના સભ્ય તરીકે કરી છે.