આતંકવાદી હુમલાના કાવતરા મામલે NIA ના જમ્મુ-કાશ્મીર સહિત 5 રાજ્યોમાં દરોડા
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સોમવાર વહેલી સવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ એકસાથે અનેક ઠેકાણાઓ પર છાપામાર કામગીરી કરી છે. સાથે જ દેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ દેશભરમાં લગભગ 22 જગ્યાએ છાપામારી કરવામાં આવી છે. આ સમગ્ર મામલો આંતરિક સુરક્ષા સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એનઆઈએની એક ટીમે બારામુલા જિલ્લાના પટ્ટન શહેરના જંગમ ગામમાં પણ છાપો માર્યો હતો, જ્યાં ટીમે ઉમર રશીદ લોનના ઘરે સંબંધિત તપાસ હેઠળ કાર્યવાહી કરી હતી. હાલ સુધી એનઆઈએ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ કાર્યવાહી એવા સમયે થઈ રહી છે જ્યારે એવી ચર્ચા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જઈ શકે છે અને તાજેતરની પૂર સ્થિતિનો જાતે જાઈઝો લઈ શકે છે. જોકે હજુ સુધી તેમની મુલાકાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
એનઆઈએની ટીમે જમ્મુ-કાશ્મીર સાથે પાંચ રાજ્યોમાં એકસાથે 22 જગ્યાએ છાપા માર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ તપાસ એક આતંકી કાવતરા મામલે થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરના બારામુલા, કુલગામ, અનંતનાગ અને પુલવામા જિલ્લાઓમાં પણ તપાસ ચાલી રહી છે. છાપામારી દરમિયાન ઇલેક્ટ્રોનિક ઉપકરણો, શંકાસ્પદ નાણાકીય દસ્તાવેજો અને અન્ય કાગળો જપ્ત કરવામાં આવ્યા છે. બિહારના આઠ સ્થળો, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તમિલનાડુના એક-એક સ્થળ, ઉત્તર પ્રદેશના બે સ્થળ અને જમ્મુ-કાશ્મીરના નવ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે.
એનઆઈએ દ્વારા લાંબા સમયથી જમ્મુ-કાશ્મીરમાં આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જૂન મહિનામાં પણ ટીમે એકસાથે 32 સ્થળોએ છાપામારી કરી હતી, જેમાં શોપિયા, કુલગામ, કુપવાડા, સોપોર અને બારામુલાના અનેક વિસ્તારોનો સમાવેશ થતો હતો.