સાંતલપુર-સાંચોર વચ્ચેના હાઈવેના નબળા કામ અંગે NHIના પ્રોજેક્ટ ડાયરેક્ટર સસ્પેન્ડ કરાયા
- પ્રથમ વરસાદમાં હાઈવે પર મોટા ગાબડાં પડ્યા,
- માટીના સોઈલ ટેસ્ટમાં હલકી ગુણવત્તા જણાઈ,
- કોન્ટ્રાક્ટર કંપનીને કરોડો રૂપિયાનો દંડ ફટકારાયો
પાલનપુરઃ ગુજરાતમાં નવિન રાષ્ટ્રીય ધોરી માર્ગો બનાવ્યા બાદ કેટલાક હાઈવે પર સામાન્ય વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. જામનગરથી અમૃતસર સુધીના 80,000 કરોડના ખર્ચે બનેલા ઇકોનોમિક કોરિડોરના સાંતલપુર- સાંચોર એક્સપ્રેસવેના કામમાં ભ્રષ્ટાચાર સામે આવતા કેન્દ્ર સરકારે કડક પગલાં લીધા છે. આ મામલે સરકારે એનએસઆઈના પ્રોજેક્ટ ડાયરેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે.સિનાડ નજીક રોડના કામમાં લાપરવાહી સામે આવતા કોન્ટ્રાક્ટર કંપની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સાંતલપુર- સાંચોર એક્સપ્રેસવેના કામમાં ભ્રષ્ટાચાર સામે આવતા કેન્દ્ર સરકારે કડક પગલાં લીધા છે. પ્રથમ વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી છે. રોડ પર પાથરેલો ડામર પહેલાજ વરસાદમાં નીકળીને બહાર આવતા માટીના સોઇલ ટેસ્ટમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. જેને લઇ કંપનીને 2.80 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. ઉપરાંત ઇન્ફ્રા કંપનીને પણ નોટિસ પાઠવી દેવાઈ છે. એસએ ઇન્ફ્રા જે CDS ઇન્ફ્રાના સહયોગમાં ચોથા પેકેજમાં સાથે કામ કરતા હતા. તેમને પણ આ પ્રોજેક્ટમાંથી હટાવામાં આવી છે. બન્ને સંસ્થાને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
સૂત્રોના કહેવા મુજબ ભારતમાલા યોજના હેઠળના ગ્રીનફિલ્ડ હાઈવે પર નબળી કામગીરીના સંબંધમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય ચહરને સસ્પેન્ડ કરાયા છે. તેમને થોડા અઠવાડિયા પહેલાં જ આ પ્રોજેક્ટમાંથી બદલી આપવામાં આવી હતી. એનએચઆઈ પ્રોજેક્ટનો સર્વે કરવામાં આવે છે જેના પછી કોન્ટ્રાક્ટર કંપનીને પણ પેનલ્ટી કરાશે, અત્યાર સુધીમાં 2.8 કરોડ જેટલી પેનલ્ટીનું અસેસમેન્ટ થયું છે. ભ્રષ્ટાચારમાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટ કંપની કોઈને છોડવામાં નહીં આવે, હાલ આ અંગે તપાસ ચાલી રહી છે.