ટોલ વસૂલાતમાં ગેરરીતિઓ પર NHAI કડક, 14 એજન્સીઓ પર પ્રતિબંધ
ટોલ વસૂલાતમાં ગેરરીતિઓ પર કડક પગલાં લેતા, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ 14 ટોલ વસૂલાત એજન્સીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા છેતરપિંડીની તપાસ કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
ગેરરીતિ કરનાર એજન્સીઓને નોટિસ
NHAI એ ગેરરીતિઓમાં સામેલ એજન્સીઓને કારણ બતાવો નોટિસ જારી કરી છે. આ સિવાય FIRના આધારે 13 એજન્સીઓને બે વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.
12.55 લાખની ખોટી ટોલ વસૂલાત પર રિફંડ આપવામાં આવ્યું
સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2024માં 12.55 લાખ કેસમાં ખોટી રીતે વસૂલવામાં આવેલ ટોલ પરત કરવામાં આવ્યો હતો. આ સિવાય ખોટી ટોલ વસૂલાતમાં સામેલ એજન્સીઓ પર અત્યાર સુધીમાં 2 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.
નિવેદન અનુસાર, NHAI દ્વારા પ્રતિબંધિત 14 એજન્સીઓમાં એકે કન્સ્ટ્રક્શન, આલોક બિલ્ડટેક પ્રાઇવેટ લિમિટેડ, અનિલ કુમાર શુક્લા, આશિષ અગ્રવાલ, ઇનોવિઝન લિમિટેડ, એમબી કન્સ્ટ્રક્શન, મા નર્મદા ટ્રેડર્સ, આરકે જૈન ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ, એસપીસી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ, ટી સૂર્યનારાયણ રેડ્ડી, વંશિકા કન્સ્ટ્રક્શન, વેસ્ટવેલ આયર્ન એન્ડ સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડ, ભોલા નાથ રાજપતિ શુક્લા અને શિવ બિલ્ડટેક પ્રાઈવેટ લિ. સામેલ છે.