ન્યૂયોર્કના ધનકુબેરોએ શહેર છોડવાની તૈયારી શરૂ કરીઃ જાણો એવું શું થયું?
ન્યૂયોર્ક, 12 નવેમ્બર, 2025: New York Will Turn Into Mumbai ન્યૂયોર્કના મેયર તરીકે ઝોહરાન મમદાનીની જીતથી એક તરફ ભારતના મુસ્લિમો તથા અન્ય બુદ્ધિજીવીઓ ખુશખુશાલ છે. પરંતુ બીજી તરફ સ્થાનિક ઉદ્યોગપતિઓ, બિલ્ડરો તેમજ અન્ય લોકોમાં એ હદે હતાશા વ્યાપી ગઈ છે કે તેઓએ ન્યૂયોર્ક છોડીને અન્યત્ર સ્થળાંતર કરવાની તૈયારી કરી લીધી છે. (New York's wealthy began preparing to leave the city)
ન્યૂયોર્કના એસ્ટેટ ક્ષેત્રના દિગ્ગજ અને અબજોપતિ બેરી સ્ટર્નલિચે મમદાનીની જીત અને તેની કથિત સમાજવાદી નીતિઓ અંગે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. સ્ટારવૂડ કેપિટલ ગ્રુપના સીઈઓ બેરીએ ચેતવણી ઉચ્ચારી છે કે હવે ન્યૂયોર્કમાં ડેમોક્રેટિક પક્ષના સમાજવાદી શાસન હેઠળ સ્થિતિ અતિશય કથળવાની છે.
નોંધપાત્ર છે કે, પોતાની જીત બાદ મમદાનીએ તેના ચૂંટણી વચનો પૂરાં કરવા માટે તરત કામગીરી શરૂ કરવા અંગે નિવેદન કર્યું હતું. આ વચનો અનુસાર ભાડાંની રકમ સ્થિર કરી દેવામાં આવશે અર્થાત કોઈ મકાન માલિકો ભાડાં વધારી નહીં શકે. ઉપરાંત બસ સેવા મફત કરી દેવામાં આવશે, છ માસથી 5 વર્ષ સુધીનાં બાળકો માટે આરોગ્ય સેવા મફત કરી દેવામાં આવશે તથા પ્રત્યેક પાંચ ઝોનમાં ન્યૂયોર્ક કોર્પોરેશન સંચાલિત ગ્રોસરી સ્ટોર શરૂ કરવામાં આવશે.
સીએનબીસી સાથે વાત કરતા સ્ટર્નલિચે કહ્યું કે, "ન્યૂયોર્કમાં દરેક પ્રોજેક્ટમાંથી $100 મિલિયન મજૂર યુનિયનોને આપવા પડશે અને આ રકમ ભારે પડી જશે. બિલ્ડરો ઉપર આવનારા આ વધારાના ખર્ચને કારણે રહેણાંક મકાનો અત્યંત મોંઘા થઈ જશે."
સ્ટર્નલિચની કંપની સ્ટારવુડ કેપિટલ ગ્રુપ ન્યૂયોર્કમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રકારની સ્કીમો અને સંયુક્ત સાહસો ધરાવે છે.
તેમણે નોંધ્યું કે અન્ય ડેવલપર્સે મજૂર યુનિયનો સાથે સોદાબાજી કરવાના પ્રયાસ કર્યા છે, પરંતુ યુનિયનો ન્યૂયોર્ક પર શાસન કરે છે અને એ જ કારણે બ્લુ સ્ટેટ્સ આટલા મોંઘા છે.
મમદાનીની હાઉસિંગ નીતિ વિશે વાત કરતા સ્ટર્નલિચે કહ્યું, "ડાબેરીઓ ખરેખર પાગલ છે. એ લોકો કહે છે કે ભાડૂઆતોએ ભાડાં ચૂકવવાની જરૂર નથી. જે લોકો ભાડું નહીં ચૂકવે તેમને ઘરમાંથી કાઢી પણ નહીં મૂકી શકાય. પરિણામે તેના પાડોશીને ખબર પડશે કે બાજુવાળો ભાડું નથી ચૂકવતો એટલે એ પણ બંધ કરશે. તેના પાડોશીને ખબર પડશે એટલે એ પણ ચૂકવણી બંધ કરી દેશે. આમને આમ બધા મફત રહેવા લાગશે અને એક દિવસ ન્યૂયોર્ક શહેર મુંબઈમાં ફેરવાઈ જશે," તેમ આ એસ્ટેટ માંધાતાએ કહ્યું હતું.