ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે નવો રેકોર્ડ, 2024-25માં 43 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ
ભારતમાં પેસેન્જર વાહનોના વેચાણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં, દેશમાં કુલ 43 લાખ યુનિટ વેચાયા હતા, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. SIAM (સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ) ના તાજેતરના અહેવાલમાં આ માહિતી સામે આવી છે. આ વૃદ્ધિનો સૌથી મોટો શ્રેય યુટિલિટી વાહનો (SUV/UV) ને જાય છે, જેના વેચાણમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં કુલ પેસેન્જર વાહનોમાં SUVનો હિસ્સો 65% સુધી પહોંચવાની ધારણા છે, જે ગયા વર્ષે લગભગ 60% હતો. SIAM ના મતે, નવા મોડેલો, અદ્યતન સુવિધાઓ અને આધુનિક ડિઝાઇનના લોન્ચિંગથી લોકોને ખૂબ આકર્ષિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, કંપનીઓ દ્વારા આપવામાં આવતી ડિસ્કાઉન્ટ અને પ્રમોશનલ ઑફર્સે પણ માંગ જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભારતમાંથી પેસેન્જર વાહનોની નિકાસ પણ નાણાકીય વર્ષ 2024-25માં 7.70 લાખ યુનિટના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. આ આંકડો ગયા વર્ષ કરતાં 14.6 % વધુ છે. રસપ્રદ વાત એ છે કે, લેટિન અમેરિકા અને આફ્રિકા જેવા બજારોમાં ભારતમાં બનેલા વૈશ્વિક મોડેલોની માંગ વધી, અને કેટલીક કંપનીઓએ વિકસિત દેશોમાં નિકાસ પણ શરૂ કરી. નાણાકીય વર્ષ 2024-25માં 1.96 કરોડ ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું, જે 9.1% ની વૃદ્ધિ દર્શાવે છે. સ્કૂટર સેગમેન્ટ મોખરે રહ્યું, ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સારી કનેક્ટિવિટીને કારણે માંગ વધી રહી છે.
ટુ-વ્હીલર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો એક વર્ષમાં વધીને 6% થી વધુ થયો છે. નવા EV વિકલ્પો અને સુધારેલી ટેકનોલોજીને કારણે આ વલણ વધુ મજબૂત બની રહ્યું હોય તેવું લાગે છે. ભારતમાંથી ટુ-વ્હીલરની નિકાસ 42 લાખ યુનિટ પર પહોંચી, જે 21.4% ની વૃદ્ધિ દર્શાવે છે. આફ્રિકા અને લેટિન અમેરિકામાં વધતી માંગ અને નવા ઉત્પાદનોના લોન્ચ આ વૃદ્ધિના મુખ્ય કારણો હતા.