ખૈબર પખ્તૂનખ્વામાં લશ્કર-એ-તૈયબાનો નવો તાલીમ કેમ્પ ઉભો
જૈશ-એ-મોહમ્મદ (JeM) અને હિઝબુલ મુજાહિદીન (HM) બાદ હવે પાકિસ્તાન પ્રાયોજિત અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) એ પોતાનું નેટવર્ક પાક અધિકૃત કાશ્મીર અને પંજાબમાંથી ખસેડીને ખૈબર પખ્તૂનખ્વા (KPK) વિસ્તારમાં વિસ્તરવાનું શરૂ કર્યું છે. ગુપ્તચર રિપોર્ટ્સ મુજબ, લશ્કર હાલમાં લોવર દીર જિલ્લાના કુંબન મેદાન વિસ્તારમાં નવું આતંકી તાલીમ અને સ્ટે સેન્ટર “મરકઝ જેહાદ-એ-અક્સા” ઉભું કરી રહ્યું છે. આ વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદથી ફક્ત 47 કિલોમીટર દૂર આવેલો છે. આ નવું કેન્દ્ર જુલાઈ 2025માં શરૂ થયું હતું, જ્યારે પાકિસ્તાનમાં “ઓપરેશન સિંદૂર”ના બે મહિના બાદ તેનું બાંધકામ શરૂ થયું હતું. હાલ પહેલી માળીની ઈમારત તૈયાર થઈ ગઈ છે અને છતનું કામ ચાલી રહ્યું છે. આ કેન્દ્ર લગભગ 4,600 ચોરસ ફૂટ વિસ્તારમાં બાંધવામાં આવી રહ્યું છે, જેના બાજુમાં લશ્કરની નવી જામિયા અહલે સુન્નત મસ્જિદ પણ બનાવાઈ રહી છે. લશ્કરની હંમેશાંની રણનીતિ રહી છે કે ધાર્મિક સંસ્થાઓની આડમાં આતંકવાદી માળખું ઉભું કરે છે.
આ નવા કેમ્પની કમાન નસર જાવેદને સોંપવામાં આવી છે, જે 2006ના હૈદરાબાદ બ્લાસ્ટનો સહ-સાજિશકર્તા રહ્યો છે. સાથે મુહમ્મદ યાસીન ઉર્ફ બિલાલને વિચારોનું પ્રચાર અને અનસુલ્લાહ ખાનને હથિયાર તાલીમ આપવાની જવાબદારી આપવામાં આવી છે. અહીં “દૌર-એ-ખાસ” અને “દૌર-એ-લશ્કર” નામના બે મુખ્ય તાલીમ કોર્સ ચલાવવાની યોજના છે. ભારતીય સેના દ્વારા મે 2025માં ભીમબર-બરનાલામાં આવેલો જુનો કેમ્પ ધ્વસ્ત કર્યા બાદ હવે આ નવું કેમ્પ લશ્કરની ફિદાયીન યુનિટનું નવો અડ્ડો બનશે.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, હિઝબુલ મુજાહિદીનએ પણ લોવર દીર જિલ્લામાં નવું કેમ્પ સ્થાપ્યું છે, જ્યારે જૈશ-એ-મોહમ્મદ મનસેહરા વિસ્તારમાં સક્રિય થયો છે. આ તમામ પ્રવૃત્તિઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. લશ્કર-એ-તૈયબાનું આ નવું મરકઝ ડિસેમ્બર 2025 સુધી સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે તેવી ધારણા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પાકિસ્તાન એક તરફ “આતંકવાદ વિરોધી અભિયાન”ની વાત કરે છે, પરંતુ હકીકતમાં ભારત વિરોધી સંગઠનોને આશરો આપે છે. ભારતીય સુરક્ષા સૂત્રો કહે છે કે જો આ કેમ્પમાંથી ભારતની સુરક્ષાને કોઈ ખતરો ઊભો થશે, તો ભારતીય સેના પાસે આવા ઠેકાણાઓને નિશાન બનાવવાની સંપૂર્ણ ક્ષમતા છે.