ગુજરાતમાં 1લી એપ્રીલથી જંત્રીના નવા દરનો અમલ થઈ જશે
- રાજ્ય સરકાર સુધારેલી નવી જંત્રીના દર 30મી માર્ચે જાહેર કરે તેવી શક્યતા
- સરકારને 11000થી વધુ અરજીઓ જંત્રી દરમાં ફેરફાર માટે મળી હતી
- 6000 જેટલા અરજદારોએ જંત્રીમાં ઘટાડો કરવાની માગ કરી હતી
ગાંધીનગર: ગુજરાતમાં નવી જંત્રીના સુચિત દર જાહેર કરીને તેનો અમલ 1લી એપ્રિલ 2025થી કરવાની સરકારે ત્રણ-ચાર મહિના પહેલા જાહેરાત કરી હતી. અને આ અંગે લોકો પાસેથી વાંધા-સુચનો પણ ઓનલાઈન મંગાવવામાં આવ્યા હતા. હવે જંત્રી દરોને ફરી એકવાર સુધારવા ગુજરાત સરકાર તૈયારી દર્શાવી છે. જો બધું સુસંગત રહેશે તો રાજ્ય સરકાર સુધારેલા નવા જંત્રી દરો 30 માર્ચે જાહેર કરી શકે છે અને 1 એપ્રિલથી નવા જંત્રીના દરો અમલમાં આવી શકે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવી જંત્રી અને તેને લાગુ કરવાના સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા છે. જોકે, જંત્રીના ભાવોમાં રાહત મળે તેવી સંભાવના છે. સરકારને 11000 જેટલી વાંધા અરજીઓ જંત્રીના ફેરફાર માટે મળી હતી. આ અરજીઓ પૈકી 6000 જેટલી અરજીઓ જંત્રી ઘટાડો કરવા માટે સરકારને મળી છે. તેથી મુખ્યમંત્રી કક્ષાએ આખરી નિર્ણય થતા જંત્રીના નવા દર જાહેર કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ જમીન અને સ્થાવર મિલકતોના ખરીદ-વેચાણના કરાર માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુતમ મૂલ્યને જંત્રી દર કહેવાય છે. સરકાર દ્વારા વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી પણ જંત્રીના આધારે નક્કી થાય છે. એટલે કે, જો સરકાર નવા દરોમાં વધારો કરે, તો જમીન ખરીદતા લોકો પર ટેક્સનો વધુ બોજ પડશે. રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રિયલ એસ્ટેટ બજારમાં તેજી જોવા મળી છે. ખાસ કરીને અમદાવાદ જેવા મહાનગરો અને શહેરોના વિસ્તરણ સાથે જમીનના બજારભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે, હાલના જંત્રી દરો બજારભાવની સરખામણીએ ઓછા હોવાથી, સરકાર નવા દરો જાહેર કરવાની તૈયારી કરી છે.