મહાકુંભ 2025ને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે નવી પહેલ
લખનૌઃ મહાકુંભ 2025ને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે નવી પહેલ કરવામાં આવી રહી છે. કાશીના દુકાનદાર પુનીત દુબેએ એક અનોખું અને કચરો મુક્ત મોડલ રજૂ કર્યું છે જેને મહાકુંભના ભક્તો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. સેક્ટર-19ના શંકરાચાર્ય સ્ક્વેરમાં આવેલી તેમની ચાની દુકાન 'ધ ટેસ્ટ ઑફ બનારસ'માં એક ખાસ વાત છે, અહીં ચા પીધા પછી કપ પણ ખાઈ શકાય છે.
આ ચોકલેટ ફ્લેવર્ડ કપ પર્યાવરણ જાળવણી અને સ્વચ્છતાનો સંદેશ આપે છે. બનારસી ચા ચાખવાની સાથે ભક્તો આ ખાદ્ય કપનો પણ આનંદ લઈ રહ્યા છે. પુનીત જણાવે છે કે આ કપ ચોકલેટ, ઈલાયચી અને વેનીલા ફ્લેવરમાં ઉપલબ્ધ છે અને માટીના પોટ જેવા દેખાય છે. માત્ર 20 રૂપિયામાં મળતી આ ચા અને ખાદ્ય કપ લોકોને ખૂબ જ પસંદ છે. અહીં ચાની મજા માણી રહેલા ડૉ. રણજીત મિશ્રાએ કહ્યું, "ચા પીધા પછી એક કપ ખાવાનો આનંદ બાળપણની યાદો તાજી કરે છે."
પુનીતનું આ મૉડલ માત્ર કચરો ઓછો નથી કરતું પણ પોલિથીન મુક્ત અભિયાનમાં પણ યોગદાન આપે છે. તેમના મતે વહીવટી અધિકારીઓ પણ આ પહેલની પ્રશંસા કરી રહ્યા છે. આ ચાની વધતી જતી લોકપ્રિયતા સાબિત કરે છે કે નાના પ્રયાસો મોટા ફેરફારો લાવી શકે છે.