ભારત-ઇઝરાઇલ આર્થિક સંબંધોમાં નવો અધ્યાય : ઇઝરાઇલમાં પણ જલ્દી શક્ય બનશે UPI આધારિત પેમેન્ટ
નવી દિલ્હી : ભારત અને ઇઝરાઇલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર (Bilateral Investment Treaty) પર હસ્તાક્ષર થયા બાદ હવે બંને દેશો આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. ઇઝરાઇલના નાણાં મંત્રાલયના મહાલેખાકાર યાલી રોથેનબર્ગે જણાવ્યું કે ઇઝરાઇલ હવે ભારતની UPI (Unified Payments Interface) આધારિત લેવડદેવડ સિસ્ટમ અમલમાં લાવવા માટે કાર્યરત છે.
રોથેનબર્ગે જણાવ્યું કે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની વાતચીત અંતિમ ચરણમાં છે અને ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે આ રોકાણ કરાર માત્ર શરૂઆત છે, ભવિષ્યમાં અનેક મહત્વપૂર્ણ આર્થિક કરારો થવાના છે. રોથેનબર્ગે ઉમેર્યું કે ઇઝરાઇલ ભારત સાથે એવો નાણાકીય પ્રોટોકોલ સ્થાપવા માગે છે જેનાથી ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે સહાયતા સરળ બનશે. આવા પ્રોટોકોલ ઇઝરાઇલ અગાઉ ચીન જેવા મોટા દેશો સાથે પણ કરી ચૂક્યું છે.
માહિતી મુજબ ઇઝરાઇલના સેન્ટ્રલ બેંક (બેંક ઑફ ઇઝરાઇલ) આ સમગ્ર પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહ્યા છે. "માસવ" નામની સ્થાનિક પેમેન્ટ સિસ્ટમ સાથે UPIને સીધી રીતે જોડવાની યોજના છે. રોથેનબર્ગે જણાવ્યું કે, 2026ની પહેલી ત્રિમાસિક સુધી ઇઝરાઇલમાં ભારતીય લોકો રૂપિયા દ્વારા ચુકવણી કરી શકશે, જ્યારે ઇઝરાઇલના નાગરિકો ભારત મુલાકાતે આવી પોતાની કરન્સીમાં UPI મારફતે પેમેન્ટ કરી શકશે.
ઓક્ટોબર 2023થી ચાલુ ઇઝરાઇલ-હમાસ સંઘર્ષ છતાં રોથેનબર્ગે દાવો કર્યો કે પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ અગાઉ કરતાં સ્થિર થઈ રહી છે અને ઇઝરાઇલની અર્થવ્યવસ્થાએ યુદ્ધનો સીમિત પ્રભાવ જ અનુભવ્યો છે. તેમણે ભારતીય કંપનીઓને ઇઝરાઇલની જાહેર ટેન્ડરોમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું, જો તેમના પાસે જરૂરી અનુભવ હોય.