નીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મોકૂફ રખાયેલી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો
- ભારે વરસાદને લીધે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી,
- મોફૂક રખાયેલી પરીક્ષાઓ આગામી ચોથી અને છઠ્ઠી ઓક્ટોબરે લેવાશે,
- રેગ્યુલર પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી મેળવી શકાશે
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ગત 29 સપ્ટેમ્બરને સોમવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ મોફૂક કરવાનો નિર્ણય લેવાયો હતો. આ પછી યુનિવર્સિટી દ્વારા તે મોકૂફ પરીક્ષાનો નવો કાર્યક્રમ એટલે કે નવી તારીખો જાહેર કરાઈ છે. જે અનુસાર મોફૂક પરીક્ષાઓ આગામી ચોથી અને છઠ્ઠી ઓક્ટોબરના લેવામાં આવશે.
દક્ષિણ ગુજરાત યુનિના પરીક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ભારે વરસાદને લીધે ગત 29 સપ્ટેમ્બરના બીએસસી અને બીએસસી કોમ્પ્યુટર સાયન્સના સેમેસ્ટર-4 અને 6, એમએસસી સેમેસ્ટર-2 અને 4, બીસીએ સેમેસ્ટર-4 અને બીબીએ સેમેસ્ટર-6ની એટીકેટીની પરીક્ષાઓ મોફૂક રાખવામાં આવી હતી. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને હેરાનગતિ ન થાય અને પરીક્ષાની તૈયારી ફરીથી કરી શકે તે માટે પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. જે અનુસાર મોફૂક પરીક્ષાઓ આગામી ચોથી અને છઠ્ઠી ઓક્ટોબરના લેવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સની રેગ્યુલર તેમજ એટીકેટીની પરીક્ષાઓ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં યોજાનારી છે. યુનિવર્સિટીએ પોતાના વેબસાઇટ પર તમામ પરીક્ષાર્થીઓ માટે હોલ ટિકિટ અપલોડ કરી દીધી છે. વિદ્યાર્થીઓને તેમના લોગીન આઇડી દ્વારા હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની સૂચના પરીક્ષા વિભાગે આપી છે. હોલ ટિકિટમાં કોઈ માહિતી ખોટી હોય તો કોલેજનો સંપર્ક કરવા સૂચના અપાઈ છે.