બિહારમાં NDAએ સરકાર બનાવવાની કવાતય તેજ કરી, નીતિશ કુમારે CM પદેથી રાજીનામુ આપ્યું
પટણાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ ધમાકેદાર જીત મેળવ્યા બાદ સરકાર રચવાના પ્રયાસોમાં તેજી આવી છે. 20 નવેમ્બરના રોજ પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ નવી સરકારના શપથગ્રહણ યોજાશે. આ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. સૂત્રો અનુસાર, 19 નવેમ્બરે બિહાર વિધાનસભા ભંગ કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે. તેના બાદ નીતિશ કુમાર સતત 10મી વખત સીએમ પદના શપથ લેવા તૈયારી કરી રહ્યાં છે.
નીતીશ કુમારની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ તેઓ સીધા જ રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું સોંપ્યું હતું. હવે 19 નવેમ્બરે મુખ્યમંત્રી પદ માટે ફરી તેમના નામે મોહર મારવામાં આવશે તેવી પૂરી શક્યતા છે. ભાજપ વિધાનસભા પક્ષની બેઠક, જે પહેલી વાર 18 નવેમ્બરે યોજાવાની હતી, જે હવે 19 નવેમ્બરે યોજાશે. દિલીપ જયસ્વાલના નિવેદન બાદ એવી અટકળો જોર પકડી હતી કે ભાજપ નવા નેતાની પસંદગી કરી શકે છે અને બાદમાં સાથી પક્ષોને પોતાનો ઔપચારિક પત્ર આપશે. પરંતુ બેઠક મુલતવી થતાં હવે રાહ થોડું લાંબી બની છે.
બિહારની 243 બેઠકોમાં એનડીએએ 202 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી. આ ચૂંટણીમાં ભાજપની 89 બેઠક, જેડીયુની 85 બેઠક, એલજેપી 19 બેઠક અને અન્ય પક્ષોની 9 બેઠક ઉપર જીત થઈ હતી. આ જીત પછી બિહારમાં એનડીએ સરકારનો દસમો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે.