દેશમાં નક્સલવાદ હવે ફક્ત પાંચથી છ જિલ્લાઓ સુધી મર્યાદિતઃ રાજનાથ સિંહ
બેંગ્લોરઃ હવે દેશમાં નક્સલવાદ ફક્ત પાંચથી છ જિલ્લાઓ સુધી મર્યાદિત છે અને આગામી સમયમાં ત્યાં પણ તેનો સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવશે. તેમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની 128મી જન્મજયંતિ નિમિત્તે હૈદરાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, જે વિસ્તારો પહેલા નક્સલ પ્રવૃત્તિઓ માટે જાણીતા હતા તે હવે શિક્ષણના કેન્દ્રો બની રહ્યા છે. તેમણે કહ્યું, 'રેડ કોરિડોર (નક્સલ પ્રભાવિત વિસ્તાર) હવે ઝડપથી વિકાસ કોરિડોરમાં ફેરવાઈ રહ્યો છે.'
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે 31 માર્ચ, 2026 સુધીમાં સમગ્ર દેશને નક્સલવાદથી મુક્ત કરવામાં આવશે. આ દરમિયાન રાજનાથ સિંહે પાકિસ્તાનમાં તાજેતરના ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ ઓપરેશનમાં 'ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનના કોઈ નાગરિક કે લશ્કરી ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો નથી.' તેમણે સ્પષ્ટપણે એમ પણ કહ્યું કે જો ભવિષ્યમાં પહેલગામ જેવા આતંકવાદી હુમલા ફરી થશે તો ભારત સંપૂર્ણ તાકાતથી યોગ્ય જવાબ આપશે.