નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન, દેશનું સૌથી મોટું ‘ગ્રીનફિલ્ડ’ એરપોર્ટ બન્યું
મુંબઈ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (NMIA)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટના પ્રથમ તબક્કાનું નિર્માણ રૂ. 19,650 કરોડના ખર્ચે પૂર્ણ થયું છે. આ ભારતનો અત્યાર સુધીની સૌથી મોટો ગ્રીનફિલ્ડ હવાઇમથક પ્રોજેક્ટ છે, જે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડલ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક મુંબઈ મહાનગર ક્ષેત્રનો બીજુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે. આ એરપોર્ટ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) સાથે મળીને કાર્ય કરશે જેથી મુસાફરોની ભીડ ઓછી થાય અને મુંબઈને ગ્લોબલ મલ્ટી-એરપોર્ટ સિસ્ટમમાં સ્થાન મળી શકે.
અધિકારીઓ અનુસાર, નવી મુંબઈ એરપોર્ટ પરથી ડિસેમ્બર 2025થી ઉડાનોની શરૂ થવાની શક્યતા છે. મુસાફરો માટે ટિકિટ બુકિંગ ઓક્ટોબરના અંત સુધી શરૂ થઈ શકે છે. ઈન્ડિગો, અકાસા એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસ જેવી એરલાઈન્સ અહીંથી સેવા આપશે. નવી મુંબઈ એરપોર્ટ દેશનો પહેલો સંપૂર્ણ ડિજિટલ હવાઇમથક બનશે. મુસાફરો માટે તેમાં અનેક આધુનિક સુવિધાઓ હશે જેમ કે વાહન પાર્કિંગ સ્લોટની પ્રી-બુકિંગ, ઓનલાઇન બેગેજ ડ્રોપ બુકિંગ, ઈમિગ્રેશન સર્વિસિસની ડિજિટલ સગવડતા. અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)ના CEO અરુણ બન્સલએ જણાવ્યું કે, “મુસાફરને પોતાના ફોન પર સંદેશ મળશે જેમાં જણાવવામાં આવશે કે તેમનું બેગ કયા કેરોસેલ નંબર પર છે.”
આ એરપોર્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના પ્રવાસીઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આમાં 3,700 મીટર લાંબો રનવે, આધુનિક પેસેન્જર ટર્મિનલ અને મોટા વાણિજ્યિક વિમાનોને હેન્ડલ કરવા માટે એક અદ્યતન એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ એરપોર્ટ જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) બંદરથી 14 કિમી, મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) તલોજા ઇન્ડસ્ટ્રિયલ એરિયાથી 22 કિમી, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક દ્વારા) થી 35 કિમી, થાણેથી 32 કિમી અને ભીવંડી જેવા પાવરલૂમ શહેરથી 40 કિમી દૂર છે.