દાર્જિલિંગમાં અવકાશી આફતઃ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 23 ઉપર પહોંચ્યો
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મિરિક અને દાર્જિલિંગ પર્વતીય વિસ્તારોમાં સતત વરસતા વરસાદને કારણે રવિવારે થયેલા ભારે ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત નીપજ્યા છે. અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ભૂસ્ખલનના કારણે અનેક ઘરો ધરાશાયી થઈ ગયા છે, રસ્તાઓ તૂટી જવાથી પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અનેક દૂરના ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને સૈંકડો પર્યટકો ફસાઈ ગયા છે. આ દરમિયાન, રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જી દાર્જિલિંગ જઈને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને સ્થિતિનું મૂલ્યાંકન કરશે.
અહેવાલ મુજબ સરસાલી, જસબીરગાંવ, મિરિક બસ્તી, ધાર ગામ (મેંચી), નગરાકાટા અને મિરિક તળાવ વિસ્તાર સહિત અનેક સ્થળોએ જાનહાનિના સમાચાર છે. જલપાઈગુડી જિલ્લાના નગરાકાટામાં એક અલગ બચાવ અભિયાન દરમિયાન ભૂસ્ખલનના મલબામાંથી પાંચ મૃતદેહો મળ્યા છે. એનડીઆરએફના અધિકારીએ જણાવ્યું કે “હાલ સુધી મિરિક, દાર્જિલિંગ અને જલપાઈગુડીમાં કુલ 23 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.”
ઉત્તર બંગાળ વિકાસ મંત્રી ઉદયન ગુહાએ જાનમાલના નુકસાનને અત્યંત દુઃખદ ગણાવ્યું છે અને જણાવ્યું છે કે હાલત ગંભીર છે, મૃત્યુઆંક વધુ વધી શકે છે. ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન (જીટીએ)ના મુખ્ય કાર્યકારી અધિકારી અનિત થાપાએ જણાવ્યું કે “પર્વતોની રાણી” તરીકે જાણીતા દાર્જિલિંગ વિસ્તારમાં કુલ 35 સ્થળોએ ભૂસ્ખલન થયાની માહિતી મળી છે. એનડીઆરએફના અહેવાલ મુજબ, મિરિક વિસ્તારમાં સૌથી વધુ અસર થઈ છે જ્યાં 11 લોકોનાં મોત અને 7 લોકોને બચાવવામાં આવ્યા છે. દાર્જિલિંગમાં 7 લોકોનાં મોત થયાં છે અને પોલીસ, પ્રશાસન તેમજ રાહત ટીમો સતત બચાવકાર્યમાં લાગેલી છે.
જલપાઈગુડી જિલ્લાના નગરાકાટામાં પણ ભૂસ્ખલનના કારણે પાંચ લોકોનાં મોત થયાં છે. દુર્ગાપૂજા અને તેની રજાઓ માણવા દાર્જિલિંગ આવેલા સૈંકડો પર્યટકો હવે ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ફસાઈ ગયા છે. કોલકાતા તથા બંગાળના અન્ય વિસ્તારોમાંથી આવેલા પરિવાર તથા પ્રવાસી જૂથો મિરિક, ઘૂમ અને લેપચાજગત જેવા લોકપ્રિય સ્થળોએ જતા હતા, પરંતુ સતત વરસતા વરસાદે પરિસ્થિતિ ગંભીર બનાવી દીધી છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકોના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી છે, જોકે રકમ જાહેર કરવામાં આવી નથી. તેમણે જણાવ્યું છે કે તેઓ આજે ઉત્તર બંગાળની મુલાકાત લઈને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે દાર્જિલિંગ અને આસપાસના વિસ્તારોની સ્થિતિ પર કેન્દ્ર સરકાર સતત નજર રાખી રહી છે. નગરાકાટાના ધાર ગામમાં થયેલા ભારે ભૂસ્ખલન બાદ મલબામાંથી 40થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે, જ્યાં અનેક ઘરો નષ્ટ થઈ ગયા હતા. દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.