For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ‘નેચર વોક’ યોજાઈ

04:48 PM Oct 06, 2025 IST | Vinayak Barot
ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ‘નેચર વોક’ યોજાઈ
Advertisement
  • નેચર વોકમાં 30થી વધુ સ્થાનિક યુવા-યુવતીઓ સહિત બાળકો સહભાગી થયા,
  • ગાંધીનગર હોમગાર્ડ બટાલિયન માટે ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ,
  • વન્યજીવોના મહત્વ અંગે મુલાકાતીઓને ડોક્યુમેન્ટ્રી નિદર્શન મારફતે જાગૃત કરાયા

ગાંધીનગરઃ ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા તા. 02 થી 08 ઓક્ટોબર-2025 વન્યજીવ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે તા. 05 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે ‘નેચર વોક’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30થી વધુ સ્થાનિક યુવા-યુવતીઓ સહિત બાળકો સહભાગી થયા હતા. આ નેચર વોકમાં તેઓને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના વન વિસ્તારોમાં વન ભ્રમણ સાથે વન્યજીવો, નિવસન તંત્ર, પર્યાવરણના વિવિધ ઘટકો, પક્ષી દર્શન, વનસ્પતિ દર્શન સહિત માનવ-વન્યજીવ સહજીવન જેવા વિવિધ પાસાઓ પર પ્રત્યક્ષ વિગતો આપીને માહિતગાર કર્યા હતા.

Advertisement

આ સાથે ગાંધીનગર હોમગાર્ડ બટાલિયન માટે ખાસ જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 250 થી વધુ હોમગાર્ડના જવાનો જોડાયા હતા. તેઓને હોમગાર્ડના જવાનો ખાસ કરીને વનવિસ્તાર નજીક માનવ-વન્યજીવ ઘર્ષણ સમયે તેઓ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને વન્યજીવ રેસ્ક્યુ અંગે પણ વિવિધ માહિતી આપવામાં આવી હતી તેમ, ગીર ફાઉન્ડેશન ગાંધીનગરની યાદીમાં જણાવ્યું હતું.

આ ઉપરાંત ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા વન્યજીવ સપ્તાહના ઉદ્દેશની પરિપૂર્તિ કરવા માટે "તૃણાહારી વન્યજીવો" થીમ નક્કી કરવામાં આવી હતી. તૃણાહારી વન્યજીવો નિવસન તંત્રમાં એક ખાસ ભૂમિકા ભજવે છે. તૃણાહારી વન્યજીવો વનસ્પતિજન્ય ખોરાક ખાઈને બીજવિકિરણ, વૃક્ષોના પુનર્જનન અને વન વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવે છે સાથોસાથ માંસાહારી પ્રાણીઓને પણ ખોરાક પુરો પાડીને નિવસન તંત્રની પ્રક્રિયાઓને ધબકતી રાખે છે. ગુજરાતમાં ચિત્તલ, સાબર અને ભેંકર એ હરણની જાતિઓ જોવા મળે છે જ્યારે કાળીયાર, નીલગાય, ચોશિંગા અને ચિંકારા એ મૃગની જાતિઓ છે. આ વન્યજીવોના મહત્વ અંગે મુલાકાતીઓને ડોક્યુમેન્ટ્રી નિદર્શન મારફતે જાગૃત કરવામાં આવ્યા હતાં.

Advertisement

આ સિવાય ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરવા માટીમાંથી વન્યજીવોના રમકડાં બનાવવા જેવી સુંદર પ્રવૃત્તિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં ચાકડા પર માટીના કોડીયા, વાસણો વગેરે સહિત માટીમાંથી રમકડાં બનાવાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં બાળકોએ માટીના વિવિધ વન્યજીવોના રમકડા બનાવાતા શિખ્યા હતા અને પોતે બનાવેલા રમકડાં સાથે લઈ ગયા હતા. મોટેરાઓએ પણ માટી ખૂંદીને પોતાનું બાળપણ યાદ કર્યું હતું. આ કાર્યમાં 100 થી વધુ ભાઈ-બહેનો અને બાળકોએ સહભાગી થઈને ‘ગીર’ ફાઉન્ડેશનની સર્જનાત્મક પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

Advertisement
Tags :
Advertisement