પ્રાકૃતિક ખેતી એ રાષ્ટ્ર અને માનવતાની સેવા કરવાનો સર્વોત્તમ માર્ગ છે: રાજ્યપાલ
- PMનું સ્વપ્ન આત્મનિર્ભર ભારતની સાથે સ્વસ્થ, સમૃદ્ધ ભારત બનાવવાનું છેઃ રાજ્યપાલ,
- પ્રાકૃતિક કૃષિ ખેડૂતોની આવક અને સમાજની સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે: દિલીપ સંઘાણી,
- રાજભવન ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર કૃષિ પદ્ધતિ નહીં, પરંતુ આરોગ્યપ્રદ જીવનશૈલી અને ભાવિ પેઢી માટે સ્વસ્થ, સલામત અને સમૃદ્ધ ભવિષ્યની ગેરંટી છે. રાજભવનના મહર્ષિ દયાનંદ સભા મંડપમાં રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્માના વિસ્તરણ કાર્યકરો અધિકારીઓ, અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાના કૃષિ સખી, કિસાન મિત્રો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો હતો.
રાસાયણિક ખેતી દ્વારા ઉભી થતી સમસ્યાઓ પર પ્રકાશ પાડતા રાજ્યપાલએ કહ્યું કે, માટી, પાણી અને હવા પ્રદૂષિત થઈ ગઈ છે અને ખાદ્યાન્નના પોષકતત્વો ઘટી રહ્યા છે. રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીના પાંચ વૈજ્ઞાનિક પરિમાણો બીજામૃત, જીવામૃત, ઘન જીવનામૃત, મલ્ચિંગ અને મિશ્રપાક વિશે વિગતવાર જણાવ્યું હતું. તેમણે કહ્યું, કે જો ખેડૂતો આ પદ્ધતિ અપનાવે, તો ધરતી માતાની ફળદ્રુપતા વધવા ઉપરાંત લોકોને પૌષ્ટિક, સ્વસ્થ અને સલામત ખોરાક ઉપલબ્ધ બનશે.
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આ કાર્યને ફક્ત નોકરી કે ઔપચારિકતા ન માનવી જોઈએ. આપણે બધા પૃથ્વી, પાણી, હવા અને જીવસૃષ્ટિની રક્ષાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છીએ. જો ખેડૂતોને યોગ્ય તાલીમ નહીં મળે, તો તે માત્ર બેદરકારી જ નહીં પણ ગુનો અને પાપ પણ છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવેલા સંશોધનોએ સાબિત કર્યું છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથી, પરંતુ જમીનની ગુણવત્તા, પાકનું પોષણ મૂલ્ય અને ખેડૂતોની આવકમાં વધારો કરે છે.
આ પ્રસંગે ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ, ઈફ્કો અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, આજે, જ્યારે રાસાયણિક ખેતીની પર્યાવરણ, લોકો અને પ્રાણીઓ પર થતી પ્રતિકૂળ અસરો વિશ્વભરમાં સ્પષ્ટપણે દેખાય છે, ત્યારે પ્રાકૃતિક ખેતી એ માનવતા, સ્વાસ્થ્ય અને જમીનને સુરક્ષિત રાખવાનો એકમાત્ર સલામત માર્ગ છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ ન માત્ર જમીનની ફળદ્રુપતાને જ ઘટાડે છે, પરંતુ કેન્સર જેવા ગંભીર રોગો પણ ઝડપથી ફેલાવે છે. તેમણે એવા વિસ્તારોનું ઉદાહરણ આપ્યું જ્યાં શાકભાજીના ઉત્પાદનમાં વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે, જ્યાં કેન્સરના કેસોની સંખ્યા વધુ જોવા મળી છે.
આત્માના નિયામક સંકેત જોશીએ સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના કાર્યકારી નિયામક શ્રી સી.એમ. પટેલે આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકો, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્માના વિસ્તરણ કાર્યકરો, અધિકારીઓ, અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાના કૃષિ સખી, કિસાન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.