પ્રાકૃતિક ખેતી માનવ જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારી કૃષિ સંસ્કૃતિ સમાન છેઃ રાજ્યપાલ
- રાજભવન ખાતે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે મહત્વની બેઠક યોજાઈ,
- પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા કૃષિ મંત્રીની હિમાયત,
- પ્રાકૃતિક કૃષિ અન્વયે કામગીરીની વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ
ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ માનવ જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારી કૃષિ સંસ્કૃતિ સમાન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રોત્સાહક પરિણામો ખેડૂતો અને લોકોની સમક્ષ આવી રહ્યા છે અને ગુજરાત તેનું નેતૃત્વ કરી રહ્યુ છે. પ્રાકૃતિક કૃષિને લગતા વિવિધ આયામો પર રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ઝીણવટ પૂર્વક સંશોધનો થઈ રહ્યા છે, જેના અત્યાર સુધીમાં આવેલા તારણોએ સાબિત કર્યુ છે કે, પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદનમાં ઘટાડો થતો નથી. તેમજ જમીન અને પર્યાવરણની ગુણવત્તામાં સુધારો થાય છે.
રાજ્યપાલએ જણાવ્યું કે, ગ્રામ્ય સ્તરે પ્રાકૃતિક કૃષિનો ફેલાવો થાય અને વધુને વધુ ખેડૂતો તાલીમ લઈ અને પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેવા પ્રયાસોને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી રહી છે. જેના પરિણામ સ્વરૂપે પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ પણ વધી રહ્યુ છે. જો કે તેના માટે ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે પ્રાકૃતિક કૃષિના ખેત પેદાશોના યોગ્ય સર્ટિફિકેશનની વ્યવસ્થા ગોઠવવા પણ રાજ્યપાલએ સૂચન કર્યું હતું.
પ્રાકૃતિક કૃષિના આધારસ્તંભ સમાન દેશી ગાયોની સંખ્યામાં વધારો કરવા અને તેમની નસલમાં સુધારો કરવા માટે રાજ્યપાલએ સૂચનો આપ્યા હતા. તેમણે રાજ્યભરમાં સેક્સડ સોર્ટડ સિમેન સરળતાથી મળી રહે તે અંગે યોગ્ય વ્યવસ્થા કરવા સૂચવ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક સ્તરે સોશિયલ મીડિયા, અખબારો, ખેડૂતોની સાફલ્ય ગાથા અને પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોનું પ્રત્યક્ષ નિદર્શન દ્વારા પ્રચાર-પ્રસાર વધારવા પર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજયમાં પ્રાકૃતિક કૃષિના વિકાસ અંગે ખેડૂત હિતલક્ષી માર્ગદર્શન આપી તેનો વ્યાપ વધારવા પરિણામલક્ષી પ્રયાસોને વધુ પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો હતો. કૃષિ મંત્રીએ પ્રાકૃતિક કૃષિ સાથે વધુને વધુ ખેડૂતો જોડાય તે માટે નવી બાબતો અને પ્રયોગોને અપનાવવા જણાવ્યું હતુ. તેમજ કૃષિ વિભાગ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, સહાયકારી યોજનાઓ, તાલીમ, સંશોધન અને શિક્ષણ અંગે થતી કામગીરીની સમીક્ષા કરી ઉચ્ચ અધિકારીશ્રીઓને જરૂરી સુચનો આપ્યા હતા.
આ બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડૉ.અંજુ શર્મા, રાજભવનના અગ્ર સચિવ અશોક શર્મા, કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આત્મા, પશુપાલન વિભાગ અને કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.