For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પઃ રાજ્યપાલ

03:13 PM Jan 12, 2025 IST | revoi editor
મનુષ્યને સ્વચ્છ હવા  પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પઃ રાજ્યપાલ
Advertisement
  • જામનગરમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે રાજ્યપાલની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ
  • પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા PM મોદીએ પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે
  • જામનગરમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ વધારવા રાજ્યપાલશ્રીનું આહ્વાન

જામનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો અને સહસંયોજકો સાથે સમીક્ષા બેઠક કરી હતી.

Advertisement

આ સમીક્ષા બેઠકમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે 'રાષ્ટ્રીય મિશન' બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે. પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા સાથે પાકોના પોષણક્ષમ ભાવ પણ મળે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે.

રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટયું છે. મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય છે. સમગ્ર વિશ્વમાં હાલ ગ્લોબલ વૉર્મિંગ સૌથી મોટો પ્રશ્ન છે. ખેતરોમાં રાસાયણિક દ્રવ્યોના છંટકાવથી કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધે છે. પાકોમાં હાઇબ્રિડ બીજ, યુરિયાનું આંધળુ અનુકરણ આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકશાનકારક છે. રાસાયણિક દ્રવ્યોના અંધાધૂંધ છંટકાવ અને હાઈબ્રીડ બિયારણોથી ઉત્ત્પન્ન થયેલા પાકોમાં 45% જેટલા પોષકતત્વો હોતા જ નથી. જેના પરિણામે માનવ સ્વાસ્થ્ય જોખમમાં મૂકાય છે અને મોટાપા, કેન્સર, હાર્ટ એટેક જેવી બીમારીઓનું જોખમ વધે છે. પરંતુ જો દેશી ગાયના ગૌમૂત્ર-ગોબર આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો જમીનની ગુણવત્તામાં સુધારો થવાની સાથે મનુષ્યનું સ્વાસ્થ્ય સુધરશે અને વાતાવરણમાં પણ સુધારો આવશે.

Advertisement

વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં કરેલા પરિક્ષણોમાં સાબિત થયું છે કે, રાસાયણિક ખેતી થતી હોય તેવા ખેતરોની એક ગ્રામ માટીમાં 33 લાખથી વધુ સૂક્ષ્મ જીવો જ્યારે પ્રાકૃતિક કૃષિના ખેતરની એક ગ્રામ જમીનમાં 161 કરોડ જીવાણુઓ જોવા મળ્યા છે, કારણકે રાસાયણિક દ્રવ્યોનો ખેતરોમાં છંટકાવ થવાથી સૂક્ષ્મજીવાણુંનો નાશ થાય છે અને જમીનને જરૂરી પોષક તત્વો મળતા નથી,  જેથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. ખેડૂતોની સમૃદ્ધિ માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ એક માત્ર સમાધાન છે જે અપનાવવાથી કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાશે.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી કઈ રીતે પ્રાકૃતિક કૃષિ કરવી, જીવામૃત, ઘનજીવામૃત વગેરે કેવી રીતે બનાવવું તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ વધારવા, ખેડૂતોની વસ્તુઓ વેચવા માટે જગ્યા ફાળવવા માટે રાજ્યપાલએ અધિકારીઓને સૂચન કર્યું હતું. આ બેઠકમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી સંદર્ભે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જામનગર જિલ્લાની પ્રાકૃતિક કૃષિ વિષયક કામગીરી પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી. જામનગર જિલ્લામાં વર્ષ  2024-25માં પ્રાકૃતિક  કૃષિ વિષય પર 1684  તાલીમ વર્ગના ટાર્ગેટ સામે 1715  તાલીમ આપવામાં આવી છે. જેમાં 43.999 ખેડૂતો સહભાગી થયા છે. જિલ્લામાં હાલ 27823 ખેડૂતો 18000થી વધુ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરે છે. જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીની ખેતી કરવામાં આવે છે. જેમાં 12000થી વધુ ખેડૂતો 8000થી વધુ એકર જમીનમાં મગફળીની પ્રાકૃતિક ખેતી કરે છે. આ સિવાય શાકભાજી, ઘઉં, ચણા અને કપાસ તેમજ ફળોની ખેતી કરવામાં આવે છે. જામનગર જિલ્લામાં અત્યારે 171 મોડેલ પ્રાકૃતિક ફાર્મ આવેલા છે. જામનગરમાં દર સપ્તાહે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં શાકભાજીનું સૌથી વધુ વેચાણ થયું છે.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર  બી.કે. પંડ્યા, જિલ્લા પોલીસ વડા  પ્રેમસુખ ડેલુ, જિલ્લા ખેતીવાડી અધિકારી  આર.એસ.ગોહિલ, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર કે.એસ.ઠક્કર, અધિકારીઓ, ખેડૂત ટ્રેનરો વગેરે હાજર રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement