For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પ્રાકૃતિક કૃષિ એ લોકોનું જીવન બચાવવાનું પુણ્ય કર્મ છે : રાજ્યપાલ

06:32 PM May 23, 2025 IST | revoi editor
પ્રાકૃતિક કૃષિ એ લોકોનું જીવન બચાવવાનું પુણ્ય કર્મ છે   રાજ્યપાલ
Advertisement
  • જૂનાગઢ ખાતે કૃષિ વિભાગના અધિકારીઓ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
  • 10 જિલ્લાના ગ્રામ સેવકો. બાગાયત અધિકારીઓને અપાયુ માર્ગદર્શન
  • પ્રાકૃતિક કૃષિના મિશનને નવા જોમ, જુસ્સા અને ઉર્જા સાથે આગળ વધારવા કરાયા પ્રેરિત

ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે જૂનાગઢ અને રાજકોટ વિભાગના 10 જિલ્લાના પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રથમ હરોળના સૈનિક એવા ગ્રામ સેવક, વિસ્તરણ અને બાગાયત અધિકારી સહિતના લોકોને પ્રાકૃતિક કૃષિને જન-જન સુધી લઈ જવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે રાજ્યના કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓને પ્રાકૃતિક કૃષિની ઝુંબેશનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ મિશનને કર્તવ્ય માની તેને આગળ ધપાવવા માટે પ્રાકૃતિક કૃષિ સાથે સંલગ્ન અધિકારીઓને-કર્મચારીઓને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ લોકોના જીવન બચાવવા માટેનું પુણ્ય કર્મ છે. પ્રાકૃતિક કૃષિના માધ્યમથી જ જનઆરોગ્ય, પ્રકૃતિ અને પર્યાવરણને બચાવી શકીશું.

Advertisement

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિની સરળ વ્યાખ્યા કરતાં જણાવ્યું કે, જંગલમાં હજારો વૃક્ષો હોય છે. તેમાં યુરિયા, ડીએપી, જંતુનાશક દવા ન નાખવા છતાં જંગલના કોઈપણ પાંદડામાં એક પણ પોષક તત્વોની કમી હોતી નથી. જે ફળદ્રુપતાનો નિયમ જંગલમાં કામ કરે, પ્રકૃતિનો જે નિયમ જંગલમાં કામ કરે છે તે જ નિયમ આપણા ખેતરમાં પણ કામ કરે એનું નામ પ્રાકૃતિક ખેતી. તેમણે પ્રાકૃતિક કૃષિને એક શ્રેષ્ઠ કાર્ય ગણાવતા કહ્યું હતું કે,  પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી પ્રકૃતિની રક્ષા થાય છે, સાથે જ પાણી દૂષિત થતું અટકે છે અને લોકોના જીવન બચે છે. આમ, ઈશ્વરની વ્યવસ્થામાં સહયોગ આપવો એ જ પરમાત્માની પ્રાર્થના છે.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે નુકસાનકારક છે. આજે બાળકોને હાર્ટ અટેક આવવા ઉપરાંત ડાયાબિટીસ, કેન્સર જેવા ગંભીર રોગોનું મુખ્ય કારણ ઝેરયુક્ત આહાર છે. ત્યારે આ બિમારીઓથી બચવાનું એકમાત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે. રાસાયણિક ખેતી માનવ જીવનની સાથે બાળકોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર કરી રહી છે, લોકોના આહારની અસર તેમના જીવન પર પડતી હોય છે, તેથી જ સામાન્ય બાબતોમાં લોકોમાં આક્રમકતા પણ જોવા મળે છે. ત્યારે ઈશ્વરીય વ્યવસ્થાનો સહયોગ કરીને પ્રાકૃતિક કૃષિના માધ્યમથી પ્રકૃતિ, પર્યાવરણ અને પાણીને દૂષિત થતા બચાવીએ.

Advertisement

રાજ્યપાલએ રાસાયણિક ખેતી માનવજીવન અને પર્યાવરણને કઈ રીતે નુકસાન કરે છે તેનો પણ દ્રષ્ટાંતસહ ઉલ્લેખ કર્યો હતો.

રાજ્યપાલએ સંબોધન પૂર્ણ કર્યા બાદ પ્રકૃતિક કૃષિના પ્રથમ હરોળના સૈનિક રૂપ અધિકારીઓ- કર્મચારીઓ વચ્ચે જઈને અભિવાદન કર્યું હતું અને પ્રાકૃતિક કૃષિના મિશનને નવા જોમ, જુસ્સા અને ઉર્જા સાથે આગળ વધારવા પ્રેરિત કર્યા હતાં.

Advertisement
Tags :
Advertisement