નેશનલ સ્ટોક એક્સચેન્જે લોન્ચ કર્યો નિફ્ટી કેમિકલ્સ ઇન્ડેક્સ
નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા એક નવો સેક્ટોરલ ઇન્ડેક્સ, નિફ્ટી કેમિકલ્સ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે. NSEના સત્તાવાર નિવેદન અનુસાર, આ ઇન્ડેક્સ નિફ્ટી 500 ઇન્ડેક્સ હેઠળ આવતા કેમિકલ સેક્ટરના શેરોના પ્રદર્શનને ટ્રેક કરશે. નિફ્ટી કેમિકલ્સ ઇન્ડેક્સમાં રસાયણો ક્ષેત્રના ટોચના 20 શેરોનો સમાવેશ થશે, જે તેમના છ મહિનાના સરેરાશ ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે પસંદ કરવામાં આવશે.
NSEના નિવેદન મુજબ, NSEના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટ્રેડ થતા કેમિકલ સ્ટોક્સને આ ઇન્ડેક્સમાં પ્રાથમિકતા આપવામાં આવશે. ઇન્ડેક્સમાં દરેક શેરનું વેઈટેજ તેના ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવશે. સંતુલન સુનિશ્ચિત કરવા માટે, દેરેક શેરનું વેઈટેજ 33 ટકા સુધી મર્યાદિત કરવામાં આવશે. તે જ સમયે, ટોચના ત્રણ શેરોનું સંયુક્ત વેઈટેજ 62 ટકા સુધી મર્યાદિત રહેશે. આ નવો ઇન્ડેક્સ એસેટ મેનેજરો માટે બેન્ચમાર્ક તરીકે કામ કરશે અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs), ઇન્ડેક્સ ફંડ્સ અને સ્ટ્રક્ચર્ડ પ્રોડક્ટ્સ જેવા નિષ્ક્રિય રોકાણ ભંડોળ દ્વારા તેને ટ્રેક કરવામાં આવશે.
આ ઇન્ડેક્સના આધાર તારીખ 1 એપ્રિલ, 2005 નક્કી કરવામાં આવી છે, જેનું મૂળ મૂલ્ય 1000 છે. ફાઈનાન્સિયલ ઇન્ડેક્સમાં સમય જતાં ઇન્ડેક્સ વેલ્યૂમાં થતા ફેરફારોને ટ્રેક કરવા માટે આધાર તારીખ પ્રારંભિક બિંદુ તરીકે કામ કરે છે. અગાઉ NSEએ ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O) કોન્ટ્રાક્ટની સમાપ્તિ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નિફ્ટી અને બેંક નિફ્ટી સહિત તમામ NSE ઇન્ડેક્સ 'મહિનાના છેલ્લા સોમવારે' સમાપ્ત થશે.
NSE એ જણાવ્યું હતું કે, આ નિર્ણય 3 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. આ ઉપરાંત NSE દ્વારા નિફ્ટીની સાપ્તાહિક સમાપ્તિ ગુરુવારથી સોમવાર સુધી ખસેડવામાં આવી છે. એક્સચેન્જે નિફ્ટીના ત્રિમાસિક અને અર્ધ-વાર્ષિક કોન્ટ્રેક્ટને ગુરુવારથી સોમવાર સુધી ખસેડ્યા. હાલમાં બધા NSE ઇન્ડેક્સના F&O કોન્ટ્રાક્ટ ગુરુવારે સમાપ્ત થશે.