ચોટિલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય જનતા માટે ખૂલ્લુ મુકાયુ
- ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય બન્યા બાદ ફાયર એનઓસીના અભાવે બંધ કરાયુ હતુ,
- 16,000 ચોરસ ફૂટ જમીન પર રૂપિયા 29 કરોડના ખર્ચે સંગ્રહાલયનું નિર્માણ કરાયુ છે,
- જાહેર જનતા માટે સંગ્રહાલય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય 16000 ચોરસ ફુટ જમીનમાં રૂપિયા 29 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જેનુ લાકાર્પણ તો ગઈ તા. 5મી સપ્ટેમ્બરે કરાયુ હતું પણ ફાયરની એનઓસી ન મળવાથી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. દરમિયાન ફાયર એનઓસી મળી જતા ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય જનતા માટે ખૂલ્લુ મુકાયુ છે.
ચોટિલામાં ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાયું હતું. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સંવર્ધન હેતુથી 16,000 ચોરસ ફૂટથી વધુ જમીન પર ₹29 કરોડના ખર્ચે તેનું નિર્માણ થયું છે. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી મૂળુ બેરાના હસ્તે 6 સપ્ટેમ્બરે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પણ ફાયરની એનઓસી ન મળવાથી જનતા માટે સંગ્રહાલય બંધ હતુ, હવે ફાયરની એનઓસી મળી જતા સંગ્રહાલય લોકો માટે ખૂલ્લુ મુકવામાં આવ્યુ છે. જનતા માટે સંગ્રહાલય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પ્રવેશ શુલ્ક સામાન્ય જનતા માટે ₹20, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન માટે ₹10, દિવ્યાંગો માટે વિનામૂલ્યે અને એનઆરઆઈ માટે ₹50 રાખવામાં આવ્યો છે.
કોમ્યુનિકેશન અમદાવાદ દ્વારા સંગ્રહાલયની કામગીરી અને આગામી ત્રણ વર્ષ સુધી તેની જાળવણી કરવામાં આવશે. સંગ્રહાલયમાં 10 કર્મચારીઓ દેખરેખ રાખી રહ્યા છે અને સુરક્ષા માટે દરેક સ્થળે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મેઘાણી સંગ્રહાલય બે માળમાં ફેલાયેલું છે, જેમાં આઠ ઝોન અને એક વિશાળ સભાખંડનો સમાવેશ થાય છે. અહીં મેઘાણીના જીવન કાર્ય, સાહિત્ય અને સંગીતને નિરૂપતી કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે.
પ્રથમ ઝોનમાં મેઘાણીના બાળપણ, જીવન ચરિત્ર અને વંશાવલી દર્શાવવામાં આવી છે. બીજો ઝોન તેમના કલકત્તાના પ્રસંગોની યાદગીરીને સમર્પિત છે, જ્યારે ત્રીજા ઝોનમાં કલકત્તાથી સૌરાષ્ટ્ર પરત આવ્યા બાદના તેમના ગ્રંથો, પુસ્તકો, સૌરાષ્ટ્રની રસધાર અને ચારણ કન્યા જેવી સાહિત્યિક રચનાઓ પ્રદર્શિત કરાઈ છે. ચોથા ઝોનમાં ધોલેરા સત્યાગ્રહ, જેલ પ્રસંગ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા તેમને 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ અપાયું તે પ્રસંગને આવરી લેવાયો છે. પાંચમા ઝોનમાં ઝવેરચંદ મેઘાણીના સાહિત્યની વિસ્તૃત માહિતી, છઠ્ઠા ઝોનમાં ચારણ સંમેલન અને તેના ગ્રાફિક્સની માહિતી, સાતમા ઝોનમાં પ્રોજેક્ટર રૂમ અને સાહિત્ય કૃતિઓ છે. આઠમા ઝોનમાં 'કસુંબીનો રંગ', લોકગીતો, લગ્ન ગીતો અને ઝવેરચંદ મેઘાણીના અવાજમાં સંગીત ખુરશીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક વિશાળ સભાખંડ પણ ઉપલબ્ધ છે.