રાષ્ટ્રીય મહિલા આયોગ: 9 રાજ્યોમાં 'તેરે મેરે સપને' નામથી પ્રી-મેરિટલ કાઉન્સેલિંગ કેન્દ્ર ખુલશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે "તેરે મેરે સપને" નામથી પ્રી-મેરિટલ કાઉન્સેલિંગ કેન્દ્રની એક નવી પહેલ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોને લગ્ન પહેલાં માનસિક, ભાવનાત્મક અને સામાજિક રીતે તૈયાર કરવાનો છે, જેથી તેઓ તેમના સંબંધોને વધુ સારી રીતે સમજી શકે અને સફળ લગ્ન જીવનનો પાયો નાખી શકે.
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરે કહ્યું કે, આ પહેલ દેશના 9 રાજ્યોમાં 21 કેન્દ્રો સાથે શરૂ કરવામાં આવશે. આ કેન્દ્રો રાજસ્થાનના બિકાનેર અને ઉદયપુર, મધ્યપ્રદેશના ભોપાલ, મહારાષ્ટ્રના નાશિક-જાલના-લાતુર-ગોરેગાંવ, હરિયાણાના ગુરુગ્રામ, ઓડિશા, નવી દિલ્હી અને કેરળના તિરુવનંતપુરમમાં ખોલવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં નિષ્ણાતો દ્વારા કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવશે. જેમાં તેમને લગ્ન સંબંધો, પરિવારની ભૂમિકા, ભાવનાત્મક બંધન અને લગ્ન જીવનમાં પડકારોનો સામનો કરવાની પદ્ધતિઓ વિશે શીખવવામાં આવશે.
આ અનોખી પહેલ શરૂ કરતા પહેલા પુણેમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિષયોના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું કે આ કેન્દ્રોમાં કયા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને કાઉન્સેલરોને કેવી રીતે તાલીમ આપવામાં આવશે.
આયોગનું કહેવું છે કે, આ પહેલનો પ્રચાર કરવા માટે હોર્ડિંગ્સ અને પેમ્ફલેટનો ઉપયોગ કરવામાં આવશે. જેથી વધુને વધુ લોકો તેના વિશે જાગૃત થઈ શકે. ઉપરાંત, કોલેજોમાં સેમિનારનું આયોજન કરવામાં આવશે જ્યાં યુવાનોને લગ્ન પહેલાના કાઉન્સેલિંગના મહત્ત્વ વિશે જણાવવામાં આવશે. આ કેન્દ્રોનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવશે.