નર્મદા ડેમ ભરાવાની આરે, સપાટી 136.33 મીટરે પહોંચી
અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી સતત વધી રહી છે. હાલ ડેમની સપાટી 136.33 મીટર સુધી પહોંચી છે, જે તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી ફક્ત 2.35 મીટર દૂર છે. આ સીઝનમાં બીજી વાર ડેમની સપાટી 136 મીટરનો આંકડો પાર કરી ચુકી છે. હાલ ડેમમાં 93.69 ટકા પાણીનો સંગ્રહ છે, જેના કારણે રાજ્યભરના ખેડૂતો અને નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. પાણીની સતત આવકને કારણે ડેમના 10 દરવાજા 1.04 મીટર ખોલવામાં આવ્યા છે. આ દરવાજાઓ દ્વારા 1,20,112 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીની સપાટી પણ ઉંચી થઈ છે.
હાલ સુધીમાં ગુજરાતમાં 107.77 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 118.72, મધ્ય-પૂર્વમાં 110.10, દક્ષિણ ગુજરાતમાં 110.72 ટકા વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 93.36 ટકા વરસાદ નોંધાયો છે. આ રીતે સિઝનમાં સરેરાશ કરતાં 28 ટકા વધુ વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદ હવામાન વિભાગના અનુમાન મુજબ, 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા છે. અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડો પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.