પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર નરેન્દ્ર મોદીનો શોક સંદેશ
નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે, પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધનથી આપણા બધાના હૃદયમાં ઊંડી વેદના છે. તેમનું નિધન એક રાષ્ટ્ર તરીકે આપણા માટે મોટી ખોટ છે. વિભાજનના સમયગાળામાં ઘણું ગુમાવ્યા પછી અને અહીં જીવનના દરેક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કર્યા પછી ભારત આવવું એ સામાન્ય બાબત નથી. તેમનું જીવન ભાવિ પેઢીઓને શીખવતું રહેશે કે કેવી રીતે મુશ્કેલીઓ અને સંઘર્ષોથી ઉપર ઊઠીને ઊંચાઈ પ્રાપ્ત કરી શકાય છે.
તેમણે હંમેશા એક ઉમદા માનવી તરીકે, એક વિદ્વાન અર્થશાસ્ત્રી તરીકે અને સુધારાઓને સમર્પિત નેતા તરીકે યાદ કરવામાં આવશે. અર્થશાસ્ત્રી તરીકે તેમણે ભારત સરકારમાં વિવિધ સ્તરે સેવા આપી હતી. તેમણે પડકારજનક સમયમાં રિઝર્વ બેંકના ગવર્નરની ભૂમિકા નિભાવી હતી. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, ભારત રત્ન શ્રી પી.વી. નરસિમ્હા રાવની સરકારમાં નાણાપ્રધાન રહીને તેમણે આર્થિક સંકટથી ઘેરાયેલા દેશમાં નવી અર્થવ્યવસ્થાનો માર્ગ મોકળો કર્યો હતો. પ્રધાનમંત્રી તરીકે દેશના વિકાસ અને પ્રગતિમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.
લોકો અને દેશના વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને હંમેશા સન્માનની નજરે જોવામાં આવશે. ડૉ. મનમોહન સિંહજીનું જીવન તેમની પ્રામાણિકતા અને સાદગીનું પ્રતિબિંબ હતું, તેઓ એક ઉત્કૃષ્ટ સંસદસભ્ય હતા. તેમની વિનમ્રતા, સોમ્યતા અને તેમની બૌદ્ધિકતા તેમના સંસદીય જીવનની ઓળખ બની ગઈ. મને યાદ છે કે આ વર્ષની શરૂઆતમાં જ્યારે રાજ્યસભામાં તેમનો કાર્યકાળ પૂરો થયો ત્યારે મેં કહ્યું હતું કે સાંસદ તરીકે ડૉ. સાહેબની નિષ્ઠા દરેક માટે પ્રેરણારૂપ છે. સત્ર દરમિયાન, મહત્વપૂર્ણ પ્રસંગોએ, તેઓ વ્હીલચેર પર બેસીને આવતા હતા અને તેમની સંસદીય ફરજો નિભાવતા હતા.
વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી શિક્ષણ મેળવ્યા હોવા છતાં અને સરકારમાં ઘણા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન હોવા છતાં, તેઓ તેમના સામાન્ય વારસાના મૂલ્યોને ક્યારેય ભૂલી શક્યા નથી. પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને તેઓ હંમેશા દરેક પક્ષના લોકો સાથે સંપર્કમાં રહેતા હતા અને દરેક માટે સરળતાથી ઉપલબ્ધ રહેતા. જ્યારે હું મુખ્ય પ્રધાન હતો, ત્યારે મેં ડૉ. મનમોહન સિંહજી સાથે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરી હતી. અહીં દિલ્હી આવ્યા પછી પણ હું તેમને સમયાંતરે વાત કરતો અને મળતો. હું તેમની સાથેની મારી મુલાકાતો અને દેશને લગતી અમારી ચર્ચાઓને હંમેશા યાદ રાખીશ. તાજેતરમાં જ્યારે તેમનો જન્મદિવસ હતો ત્યારે મેં તેમની સાથે વાત પણ કરી હતી. આજે, હું આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું તમામ દેશવાસીઓ વતી ડૉ. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.