નરેન્દ્ર મોદી સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024નાં સહભાગીઓ સાથે સંવાદ કરશે
નવી દિલ્હીઃ દેશભરના 51 નોડલ કેન્દ્રો પર એસઆઈએચ 2024ના ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેવા માટે 1300થી વધુ વિદ્યાર્થી ટીમો, આ વર્ષે સંસ્થા સ્તરે આંતરિક હેકાથોનમાં 150%નો વધારો નોંધાયો છે, જે આ અત્યાર સુધીની સૌથી મોટી આવૃત્તિ બનાવે છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બર, 2024નાં રોજ સાંજે 4:30 વાગ્યે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024નાં ગ્રાન્ડ ફિનાલેમાં યુવાન ઈનોવેટર્સ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરશે. ગ્રાન્ડ ફિનાલેમાં ૧૩૦૦થી વધુ વિદ્યાર્થી ટીમો ભાગ લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.
સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન (એસઆઈએચ)ની સાતમી એડિશન 11 ડિસેમ્બર, 2024થી દેશભરમાં 51 નોડલ કેન્દ્રો પર એક સાથે શરૂ થશે. સોફ્ટવેર એડિશન 36 કલાક નોનસ્ટોપ ચાલશે, જ્યારે હાર્ડવેર એડિશન 11થી 15 ડિસેમ્બર 2024 સુધી ચાલુ રહેશે. ભૂતકાળની આવૃત્તિઓની જેમ, વિદ્યાર્થી ટીમો મંત્રાલયો અથવા વિભાગો અથવા ઉદ્યોગો દ્વારા આપવામાં આવેલા સમસ્યાનિવેદનો પર કામ કરશે અથવા રાષ્ટ્રીય મહત્વના ક્ષેત્રો સાથે જોડાયેલા 17 વિષયોમાંથી કોઈ પણ એકની સામે વિદ્યાર્થી નવીનીકરણ કેટેગરીમાં તેમના વિચારો રજૂ કરશે. આ ક્ષેત્રોમાં હેલ્થકેર, સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ, સ્માર્ટ ટેકનોલોજી, હેરિટેજ અને કલ્ચર, સસ્ટેઇનેબિલિટી, એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ, વોટર, એગ્રિકલ્ચર એન્ડ ફૂડ, ઇમર્જિંગ ટેકનોલોજીઝ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સામેલ છે.
આ વર્ષની આવૃત્તિના કેટલાક રસપ્રદ સમસ્યા નિવેદનોમાં ઇસરો દ્વારા પ્રસ્તુત 'ચંદ્ર પર ઘાટા પ્રદેશોની તસવીરોમાં વધારો', જલ શક્તિ મંત્રાલય દ્વારા પ્રસ્તુત એઆઇનો ઉપયોગ કરીને રિયલ-ટાઇમ ગંગા વોટર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવી, સેટેલાઇટ ડેટા, આઇઓટી અને ડાયનેમિક મોડલ્સ અને આયુષ મંત્રાલય દ્વારા પ્રસ્તુત 'એઆઇ સાથે સંકલિત સ્માર્ટ યોગ મેટ વિકસાવવી'નો સમાવેશ થાય છે.
ચાલુ વર્ષે 54 મંત્રાલયો, વિભાગો, રાજ્ય સરકારો, પીએસયુ અને ઉદ્યોગો દ્વારા 250થી વધારે સમસ્યાઓનાં નિવેદનો સુપરત કરવામાં આવ્યાં છે. સંસ્થાના સ્તરે આંતરિક હેકાથોનમાં 150 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે, જે એસઆઈએચ 2023માં 900થી વધીને 2024માં 2,247ની આસપાસ પહોંચી ગયો છે, જે આ અત્યાર સુધીની સૌથી મોટી આવૃત્તિ બનાવે છે. સંસ્થા કક્ષાએ એસઆઈએચ 2024માં 86,000થી વધુ ટીમોએ ભાગ લીધો છે અને રાષ્ટ્રીય સ્તરના રાઉન્ડ માટે આ સંસ્થાઓ દ્વારા આશરે 49,000 વિદ્યાર્થી ટીમો (દરેકમાં 6 વિદ્યાર્થીઓ અને 2 માર્ગદર્શકોનો સમાવેશ થાય છે)ની ભલામણ કરવામાં આવી છે.