નરેન્દ્ર મોદીએ દેશને ફીટ ઈન્ડિયાનો મંત્ર આપીને રમત-ગમતને પ્રોત્સાહન આપ્યુ છેઃ CM
- સાણંદ ખાતે 28મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ યોજાયો
- 12 રાજયો અને 6 કેન્દ્રીય પોલીસ દળોના 80 પોલીસકર્મીઓએ ભાગ લીધો
- મુખ્યમંત્રીએ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને એવોર્ડ અને ટ્રોફી એનાયત કર્યાં
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદ ખાતે 28મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
28મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને ફિટ ઇન્ડિયાનો મંત્ર આપીને રમતગમતને જીવનનો ભાગ બનાવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. સ્વસ્થ મન અને સ્વસ્થ જીવન માટે વ્યાયામ અને ખેલકૂદ જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા યોજાતી આવી સ્પર્ધાઓ પોલીસકર્મીઓને ફિઝીકલી ફીટ રાખે છે અને તેમના સંકલનને વધુ મજબૂત બનાવે છે. આવી સ્પર્ધાઓથી વિવિધ રાજ્યના પોલીસ કર્મચારીઓને એકબીજા સાથે સમય વિતાવવાનો અવસર પ્રાપ્ત થાય છે. તેઓ એકબીજા સાથે વિવિધ સાંસ્કૃતિક બાબતોનું આદાનપ્રદાન પણ કરે છે. આવા આયોજનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' અને 'નેશન ફર્સ્ટ'ની સંકલ્પના સાકાર કરે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2036માં ઓલિમ્પિકની યજમાની માટે દેશ તૈયારી કરી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને પ્રશિક્ષણ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને રાજ્યમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સ્પોર્ટ્સમાં રાજ્યના પોલીસકર્મીઓ પણ સક્રિયપણે જોડાય તે માટે રાજ્યમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી ત્રણ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સેન્ટર ઓફ એકસેલન્સ ઈન સ્પોર્ટ્સ સ્થાપવાનું પણ આયોજન છે, એમ તેમણે ઉમેર્યું હતું.
સાથે જ, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યને સ્માર્ટ, સેફ અને સિક્યોર બનાવતા ગુજરાત પોલીસના ઈ-ગુજકોપ, ઈ-FIR, VISWAS, સાયબર સિક્યોરિટી સહિતના પ્રકલ્પોને બિરદાવ્યા હતા.
રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગત એક વર્ષમાં ગુજરાત પોલીસે ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ, ઓલ ઈન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન, ઓલ ઈન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટ જેવી રાષ્ટ્રીય સ્તરની ત્રણ અલગ અલગ સ્પર્ધાઓની યજમાની કરી છે.
વધુમાં વાત કરતાં રાજ્ય પોલીસવડાએ જણાવ્યું હતું કે, પોલીસની કાર્યશૈલી અને કાર્યપદ્ધતિમાં ઉત્સાહ, જોશ અને ભાઈચારો મહત્વના પરિબળો છે. આવી સ્પર્ધાઓ પોલીસકર્મીઓના એકબીજા સાથેના સંબંધો અને સંકલન મજબૂત કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 9 થી 11 જાન્યુઆરી દરમિયાન સાણંદના કલ્હાર બ્લુ અને ગ્રીન્સ ગોલ્ફ ક્લબ ખાતે યોજાયેલી 28મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, આસામ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યો તથા સીઆઇએસએફ(CISF), સીઆરપીએફ(CRPF), આસામ રાઈફલ્સ, બીએસએફ(BSF), આઈટીબીપી(TBP), આઇબી(IB) જેવા પોલીસ દળોના પોલીસકર્મીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.