ગાંધીનગરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો
- મહિલા કોન્સ્ટેબલ અમદાવાદમાં ફરજ બજાવતી હતી,
- મહિલા કોન્સ્ટેબલ ફોન ઉપાડતી ન હોવાથી ભાઈએ પાડોશીને તપાસ કરવા કહ્યુ,
- પાડોશીએ મહિલાનો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી
ગાંધીનગરઃ શહેરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી રહેતી અને અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો તેના ઘરમાં નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળતા પોલીસે એફએસએલની મદદથી મૃત્યુ સંદર્ભે તપાસ શરૂ કરી છે. યુવતીના શરીર પર ઈજાનાં નિશાન જોવા મળતા હત્યા થઈ હોવાની પોલીસને આશંકા છે.
પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે કે, ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી રહેતી અને અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલના ભાઈ-ભાભી ભાવનગર ખાતે વતનમાં માતાજીનું નેવૈદ્ય કરવા ગયાં હતાં. બહેન ફોન રિસીવ કરતી ન હોવાથી પાડોશીને જાણ કરવામાં આવી હતી. પાડોશીએ તપાસ કરતાં ઘરના દરવાજાને બહારથી નકૂચો હતો, જે ખોલીને પાડોશીએ અંદર જોતાં મહિલા કોન્સ્ટેબલ નિર્વસ્ત્ર હાલતમાં બેભાન જોવા મળી હતી, જેથી 112 ઇમર્જન્સી સેવાને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
આ બનાવની જાણ થતાં ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. પોલીસની અલગ અલગ ટીમ એક્ટિવ કરવામાં આવી છે. મહિલા કોન્સ્ટેબલના મોબાઈલના સીડીઆર મેળવવાનું શરૂ કરાયું છે.