મારી ઓળખ કેસરી ખેસ અને કાર્યકરો જ છેઃ જગદીશ પંચાલ
અમદાવાદ: ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ (વિશ્વકર્મા)એ આજે પદભાર સંભાળીને કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે પક્ષ દ્વારા સોંપાયેલી જવાબદારી બદલ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો અને બૂથ સ્તરના કાર્યકરોને પ્રમુખ બનાવવાની પરંપરાને બિરદાવી હતી. પંચાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “મને જે જવાબદારી આપી છે, તે બદલ તમામને હું વંદન કરું છું.” તેમણે પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પ્રશંસા કરતાં કહ્યું કે, “સી.આર. પાટીલએ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો કાર્ય સફળતાપૂર્વક કર્યું છે.”
પદ માટેની નિમણૂકને કાર્યકરની ઓળખ ગણાવતા પંચાલે જણાવ્યું કે, “મારા જેવા બૂથની જવાબદારી નિભાવતા કાર્યકરને આ જવાબદારી આપવામાં આવી છે. આ જવાબદારીની સાચી ઓળખ મારી સામે બેઠેલા કાર્યકર છે. મારી ઓળખ કેસરિયો ખેસ છે.”
તેઓએ કાર્યકર્તાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે, “પ્રદેશ પ્રમુખ ઓળખ નથી, પરંતુ ભાજપનો કાર્યકર્તા ઓળખ છે.” ઉપરાંત, તેમણે કાર્યકર્તાઓને વિનંતી કરી કે,“25 વર્ષથી જનતાએ આપણ પર ભરોસો મૂક્યો છે, જેના કારણે આપણી જવાબદારી વધી છે. આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જરૂરી છે.” જગદીશ પંચાલના પદભાર સંભાળ્યા બાદ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે, અને તેઓના નેતૃત્વ હેઠળ સંગઠન વધુ મજબૂત અને સમર્પિત કાર્યકર્તા દ્રષ્ટિએ આગળ વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.