મુસ્લિમ દેશો આતંકવાદ સામે લડવા માટે ઈસ્લામિક નાટોની રચના કરશે!
નવી દિલ્હીઃ આતંકવાદ અને અન્ય પડકારોનો સામનો કરવા માટે 25 થી વધુ મુસ્લિમ દેશો નાટોની જેમ જ એક સંગઠન બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેનું નામ ઇસ્લામિક નાટો હોઈ શકે છે. આ સંગઠન પણ નાટોની જેમ જ આતંકવાદ વિરોધી કામગીરી કરશે. જો કે આ જૂથના સભ્ય દેશોની સંખ્યાને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ એક અનુમાન મુજબ, એશિયા અને આફ્રિકાના 25 દેશો તેમાં સામેલ થઈ શકે છે. આ પ્રસ્તાવિત જૂથના મુખ્ય સભ્યો સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત, સંયુક્ત આરબ અમીરાત, જોર્ડન, બહેરીન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને મલેશિયા હશે.
આ ઈસ્લામિક નાટોને ઘણા ભાગીદાર દેશો પણ સમર્થન આપી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ડોનેશિયા, ઈરાન, ઈરાક, ઓમાન, કતાર, કુવૈત, મોરોક્કો, અલ્જીરિયા, ટ્યુનિશિયા અને લિબિયા ઈસ્લામિક નાટોના ભાગીદાર બની શકે છે. આ સિવાય અઝરબૈજાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને બ્રુનેઈએ સહયોગી સભ્યો તરીકે તેમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
મળતી માહિતી મુજબ, નાટો જેવું સંગઠન બનાવવા પાછળનો હેતુ એ છે કે આ મુસ્લિમ દેશો સાથે મળીને આતંકવાદ વિરોધી કાર્યવાહી કરશે. તેઓ પોતપોતાની સેનાઓને આધુનિક બનાવવા માટે એકબીજાને મદદ કરશે. તેના સભ્ય દેશોની આંતરિક સ્થિરતા માટે બાહ્ય મુશ્કેલીઓ સામે લડશે.
નાટોની જેમ ઇસ્લામિક નાટો બનવાથી ભારતની ચિંતામાં વધારો થઈ શકે છે. કેટલાક જાણકારોના મતે, જો ઈસ્લામિક નાટોની રચના થશે તો કાશ્મીર વિવાદ વકરી શકે છે. આ જૂથ ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી શકે છે. આ જૂથની રચના સાથે, પાકિસ્તાન વધુ મજબૂત બનશે અને સરહદ પર સુરક્ષાને લઈને સમસ્યાઓ આવી શકે છે.