રાજકોટમાં ખૂની ખેલ: પત્નીને ગોળી મારી પતિએ કર્યો આપઘાત
રાજકોટઃ શહેરના જામનગર રોડ વિસ્તારમાં પતિએ પત્ની ઉપર ગોળીબાર કર્યા બાદ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. આ બનાવમાં પતિનું મોત થયું છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલી પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે આ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જામનગર રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં પતિ–પત્ની વચ્ચેનાં વિવાદે રક્તરંજિત સ્વરૂપ ધારણ કર્યું હતું. પતિએ પત્નીને ગોળી મારી બાદ જાતે આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનામાં પતિનું સ્થળ પર જ મોત નિપજ્યું છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. ઘટના સ્થળેથી પોલીસે એક ફૂટેલી કારતૂસ સહિત અનેક પુરાવા મેળવ્યા છે. પતિએ જે પિસ્તોલથી ગોળી મારી હતી તે લાઈસન્સવાળી હતી કે ગેરકાયદેસર હથિયાર હતું તે અંગે તપાસ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ભયભીત થઈ બહાર દોડી આવ્યા હતા અને પોલીસને માહિતી આપવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પતિ–પત્ની વચ્ચે છેલ્લા લાંબા સમયથી મતભેદ અને ઘરકંકાસ ચાલતો હતો. તાજેતરમાં પત્ની પતિથી અલગ થઈ બહેનપણીના ઘરે રહેતી હતી. આજે વહેલી સવારે પતિ ફલેટમાં પહોંચ્યો અને પાંચ રાઉન્ડ સુધી ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. પોલીસે પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. ઈજાગ્રસ્ત તૃષા ઉર્ફે ચકુનું પોલીસ દ્વારા નિવેદન પણ લેવામાં આવ્યું છે. પોલીસને ઘટના સ્થળેથી મિસ ફાયર ઉપરાંત ત્રણ જીવતા બુલેટ મળ્યા છે. પતિનો મોબાઈલ ફોન, હથિયાર અને અન્ય જરૂરી સામગ્રી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે.