કેનેડામાં ભારતીય મૂળની હત્યા, લોરેન્સ ગેંગે જવાબદારી સ્વિકારી
નવી દિલ્હીઃ કેનાડામાં ભારતીય મૂળના એક ઉદ્યોગપતિની ગોળીમારીને હત્યા કરવામાં આવી છે. લોરેન્સ ગેંગ દ્વારા આ હત્યાની જવાબદારી સ્વિકારવામાં આવી છે. કેનેડા મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતૂય મૂળના ઉદ્યોગપતિ દર્શનસિંહ સાહસીની કેનેડાના અબટ્સફોર્ડ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. હત્યાની ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યાં છે. જેમાં દર્શન સિંહ પોતાની કારમાં જોવા મળે છે. ત્યારે જ હુમલાખોરો તેમની પાસે આવે છે અને દર્શનસિંહ ઉપર ગોળીબાર કરે છે. ગોળીબાર કરીને હુમલાખોરો કારમાં ફરાર થઈ ગયા હતા.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ગંભીર રીતે ઘવાયેલા ઉદ્યોગપતિને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
દરમિયાન કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડિ ઢિલ્લને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને દર્શનસિંહની હત્યાની જવાબદારી સ્વિકારી છે. ગોલ્ડી કુખ્યાત લોરેન્સ ગેંગ સાથે જોડાયેલો છે. ગોલ્ડીએ પોસ્ટમાં દાવો કર્યો છે કે, પીડિત ડ્રગ્સ તસ્કરીમાં સામેલ હતો અને ગેંગ દ્વાર માંગવામાં આવેલી રકમને નજરઅંદાજ કરતો હતો. જો કે, આ અંગે પોલીસ દ્વારા કોઈ પુષ્ટી કરી નથી. જો કે, હત્યામાં લોરેન્સ ગેંગની સંડોવણીને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.