બોટાદમાં ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતો મુન્નાભાઈ MBBS ઝડપાયો, દવાનો જથ્થો જપ્ત કરાયો
અમદાવાદઃ બોટાદ જિલ્લાના મોટિવિરવા ગામમાં પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસઓજીની ટીમે ગામમાં ડિગ્રી વગર જ પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટર જયસુખ બારોલીયાને રંગેહાથ ઝડપી લીધો છે. આ વ્યક્તિ ઘણા સમયથી ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે સંબંધી જોખમ ઊભું કરી રહ્યો હતો.
SOGને બાતમી મળી હતી કે જયસુખ બારોલીયા પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી રહ્યો છે અને દર્દીઓને દવાઓ આપી રહ્યો છે. આ બાતમીને આધારે ટીમે અચાનક દરોડો પાડ્યો અને બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો હતો.
દરોડા દરમિયાન, પોલીસે દવાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે જેમાં વિવિધ પ્રકારની ટીકડીઓ, બાટલા (સલાઇન) અને સિરપનો સમાવેશ થાય છે. તેની સાથે વિવિધ મેડિકલ સાધનો પણ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે જયસુખ લાંબા સમયથી મોટા પાયે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો હતો. તેની પાસે કોઈ માન્ય તબીબી ડિગ્રી કે લાયકાત ન હોવાથી SOGએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બોગસ તબીબ તે કેટલા સમયથી ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા હતા અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલ છે કે કેમ તે અંગે પોલીસે તપાસ આરંભી છે.