For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં મ્યુનિ.નો ફાયર ઓફિસર 65,000ની લાંચ લેતા પકડાયો

05:08 PM Feb 23, 2025 IST | revoi editor
અમદાવાદમાં મ્યુનિ નો ફાયર ઓફિસર 65 000ની લાંચ લેતા પકડાયો
Advertisement
  • લાંચ કેસમાં પકડાતા ફાયર ઓફિસરને કરાયો સસ્પેન્ડ
  • આરોપીએ ફાયર NOCની ફાઈલો પાસ કરવાની 80,000 લાંચ માગી હતી
  • ફાયર NOCની ફાઈલ રિજેક્ટ કરવાની ધમકી આપી હતી

અમદાવાદઃ શહેરમાં એએમસીના ફાયર વિભાગના ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને રૂપિયા 65,000ની લાંચ લેતાં ACBએ રંગેહાથ પકડાયા ફાયર વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો હતો.  લાંચ રૂશ્વત વિરાધી શાખાને ફરિયાદ મળી હતી કે શહેરના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇનાયત શેખ દ્વારા ફાયર NOCની ફાઈલો પાસ કરવાની 80,000 લાંચ માગી હતી. એમાંથી રૂપિયા 15,000 જે-તે સમયે ફરિયાદી પાસેથી લઈ લીધા હતા, જોકે ACBએ છટકું ગોઠવીને બાકીની લાંચના રૂપિયા લેતા ઇનાયત શેખને રંગેહાથ ઝડપી લેવાયો હતો.. ACB દ્વારા ઈનાયત શેખની ઓફિસ અને ઘર પર પણ તપાસ કરવામાં આવી હતી.

Advertisement

સૂત્રોમાંથી મળેલી વિગત મુજબ શહેરના ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઈનાયત શેખ પાસે જ્યારે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ હતો ત્યારે લાંચની માગણી કરવામાં આવી હતી. જો કે, AMCના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા મુજબ ઈનાયત શેખને ક્યારે ય પણ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ અપાયો જ નથી. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા તાત્કાલિક અસરથી ઇનાયત શેખને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સેવક તરીકે ન શોભે તેવું કૃત્ય કરી અને લાંચ માંગવાનો ગુનો તેમના ઉપર નોંધાતા શેખને  સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

એસીબીના સૂત્રોના કહેવા પ્રમાણે  ફરિયાદી ખાનગી એજન્સી ચલાવી સરકારી તથા ખાનગી બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીનાં સાધનો ઇન્સ્ટોલ કરવાની તથા ફાયર NOCને લગતા કન્સલ્ટિંગનું કામ કરે છે. ફરિયાદી દ્વારા એક બિલ્ડિંગની ફાયર NOC મેળવી આપવાનું કન્સલ્ટિંગ કામ રાખ્યું હતું. જે બિલ્ડિંગની ફાયર NOC મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી ફાઈલ બનાવી પ્રહલાદનગર ખાતે આવેલી ફાયર સ્ટેશન ઓફિસમાં ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખની કચેરી ઓફિસમાં મોકલી આપી હતી. જે ફાયર NOC અંદાજિત ત્રણ મહિના સુધી ના મળતાં આ કામના ફરિયાદી ઇનાયત શેખને તેની ઓફિસમાં રૂબરૂ મળવા આવ્યા હતા. ઇનાયત શેખે ફાયર NOC આપવાના અવેજ પેટે રૂપિયા 80,000ની લાંચ માગી હતી, પરંતુ ફરિયાદી લાંચનાં નાણાં આપ્યા નહોતા. એ બાદ ફરિયાદીને ફાયર NOC મળી ગઈ હતી. બાદમાં ઇનાયત શેખે ફરિયાદીને રૂબરૂમાં મળીને તેને આપવામાં આવેલી ફાયર NOCના વ્યવહારના રૂપિયા 80,000 નહીં આપે તો ભવિષ્યમાં ફરિયાદીની ફાયર NOCને લગતી ફાઈલ એપ્રૂવ થશે નહીં એવી ગર્ભિત ધમકી આપી હતી, જેથી ફરિયાદી પાસેથી જે-તે દિવસે રૂપિયા 15,000 લાંચના લઈ લીધા હતા. બાકીના રૂપિયા 65,000ની અવારનવાર માગણી કરતો હતો. લાંચની રકમ ફરિયાદી આપવા માગતો નહોતો, જેથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે ACB દ્વારા બે રાજ્ય સેવક પંચોને સાથે રાખી સરકારી ઓડિયો રેકોર્ડરનો ઉપયોગ કરી શનિવારે ઇનાયત શેખે ફરિયાદી સાથે લાંચની માગણી સંબંધેની હેતુલક્ષી વાતચીત કરી હતી. ઇનાયત શેખે લાંચની રકમ માટે ફરિયાદીને પ્રહલાદનગર ફાયર સ્ટેશન ખાતે આવેલી પોતાની ઓફિસમાં જ બોલાવ્યો હતો, જ્યાં ACBએ છટકું ગોઠવ્યું હતું, જેમાં ફરિયાદીની સાથે ACBના કર્મચારી ગયા અને ઇનાયત શેખને પોતે છટકામાં ગોઠવાઈ ગયાનો ખ્યાલ પણ ન આવ્યો અને તેને રંગે હાથ રૂપિયા 65,000 આપતાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement