મુન્દ્રા કસ્ટમ્સે સાયકોટ્રોપિક પદાર્થ ટ્રામાડોલની 94 લાખ ગોળીઓનો નાશ કર્યો
અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સના દુષણને ડામવા માટે પોલીસ સહિત વિવિધ એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગત વર્ષે જપ્ત કરવામાં આવેલા લાખોની કિંમતની નશીલી ગોળીઓને ઝડપી લેવામાં આવી હતી. કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી આ ગોળીનો ભચાઉ ખાતે નાશ કરવામાં આવ્યો હતો.
મુન્દ્રા કસ્ટમ્સે NDPS એક્ટ હેઠળ આવતા સાયકોટ્રોપિક પદાર્થ ટ્રામાડોલની 94 લાખ ગોળીઓનો નાશ કર્યો હતો. જેને 2024માં આફ્રિકા જતા નિકાસ કન્સાઇન્મેન્ટમાંથી જપ્ત કરવામાં આવી હતી. NDPS એક્ટ-2018 હેઠળ ટ્રામાડોલને સાયકોએક્ટિવ ડ્રગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું ત્યારથી આ સૌથી મોટી જપ્તી માનવામાં આવે છે. જેની અંદાજિત કિંમત રૂ. 150 કરોડ છે. જપ્ત કરાયેલી દવાઓને કચ્છ જિલ્લાના ભચાઉ સ્થિત ઇન્સિનેરેટર ખાતે નાશ કરવામાં આવ્યો હતો.
આ નાશ કવાયત સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા 10 થી 25 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનારી અખિલ ભારતીય ડ્રગ નિકાલ ઝુંબેશનો એક ભાગ છે. આ ઝુંબેશ, નાશ માટે તૈયાર નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS)ના ઝડપી અને કાર્યક્ષમ નિકાલની ખાતરી કરીને ડ્રગ હેરફેરનો સામનો કરવા માટે ભારતીય કસ્ટમ્સની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
(Photo-File)