મુંબઈ ટ્રેન બ્લાસ્ટ: 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો
નવી દિલ્હીઃ મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટે પુરાવાના અભાવે 19 વર્ષ પછી 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. હાઈકોર્ટના આ નિર્ણયથી દેશની ન્યાયિક અને રાજકીય વ્યવસ્થામાં ખળભળાટ મચી ગયો છે. કેન્દ્ર સરકાર વતી, સોલિસિટર જનરલ (SG)એ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો.
સોલિસિટર જનરલે સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે, આ કેસમાં તાત્કાલિક સુનાવણીની જરૂર છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની અપીલની નોંધ લેતા કહ્યું કે, તે 24 એપ્રિલ અને ગુરુવારે આ મામલાની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવો કે નહીં અને કેસની આગળની સુનાવણી કઈ દિશામાં આગળ વધશે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર સરકારના આતંકવાદ વિરોધી સ્ક્વોડ (ATS)એ પણ બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2006માં મુંબઈ લોકલ ટ્રેનોમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં બોમ્બે હાઈકોર્ટે સોમવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં, કોર્ટે 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે તેમને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ખાસ ટાડા કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા તમામ 12 આરોપીઓને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.જેમાંથી 5ને મૃત્યુદંડ અને 7ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હાઇકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અને તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
આ નિર્ણય 19 વર્ષ પછી આવ્યો છે. ન્યાયાધીશ અનિલ કિલોર અને ન્યાયાધીશ એસ. ચાંડકની ડિવિઝન બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓનો કોઈ નક્કર આધાર નથી. કોર્ટે શંકાનો લાભ આપીને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા.
આ કેસ 11 જુલાઈ 2006નો છે, જ્યારે સાંજે માત્ર 11 મિનિટમાં મુંબઈ લોકલ ટ્રેનોમાં સાત અલગ અલગ સ્થળોએ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ વિસ્ફોટોમાં 189 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 827થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. નવેમ્બર 2006માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ પછી, 2015 માં, ટ્રાયલ કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જેમાં 5ને મૃત્યુદંડ અને 7 ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ પછી, આરોપીએ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી.