મુંબઈ પોલીસને ધમકી મળી, '34 ગાડીઓમાં 400 કિલો RDX' હોવાનો દાવો કરાયો
મુંબઈઃ મુંબઈને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ વખતે આત્મઘાતી હુમલો એટલે કે હ્યુમન બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ભરેલો મેસેજ મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર મળ્યો હતો. અનંત ચતુર્દશીના દિવસે આવી ધમકી મળતાં જ પોલીસ તાત્કાલિક સતર્ક થઈ ગઈ છે.
મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, 34 ગાડીઓમાં હ્યુમન બોમ્બ મૂકવામાં આવ્યા છે અને વિસ્ફોટ બાદ આખું મુંબઈ શહેર કાંપી ઉઠશે. ધમકીમાં 'લશ્કર-એ-જિહાદી' નામના સંગઠનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ તેમાં દાવો કરવામાં આવ્યો છે કે 14 પાકિસ્તાની આતંકવાદીઓ પહેલેથી જ ભારતમાં ઘૂસી ચૂક્યા છે.ધમકીભર્યા મેસેજમાં લખવામાં આવ્યું છે કે 400 કિલો આરડીએક્સના વિસ્ફોટથી 1 કરોડ લોકોના જીવ જશે. આ ધમકી બાદ મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર આવી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે મુંબઈને માસ લેવલ પર બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી મળી છે. અગાઉ પણ અનેક વાર પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ દ્વારા અથવા મેસેજ મારફતે આવી ધમકીઓ આપવામાં આવી હતી. તેમ છતાં, આ વખતે મળેલી ધમકી ખૂબ જ ગંભીર માનવામાં આવી રહી છે, કારણ કે તેમાં લાખો લોકો પર નિશાન સાધવાની વાત લખાઈ છે.
બે અઠવાડિયા પહેલાં જ વારલીના ફોર સીઝન હોટેલમાં બ્લાસ્ટની ચેતવણી મળી હતી. તે પહેલાં 14 ઓગસ્ટે પોલીસને ફોન કરીને જણાવાયું હતું કે એક ટ્રેનમાં વિસ્ફોટ થવાનો છે. કોલર એટલું કહી તરત જ ફોન કાપી દીધો હતો. ન સમયની અને ન જ સ્થળની કોઈ માહિતી આપવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી, પરંતુ તેમને કંઈ શંકાસ્પદ નથી મળ્યું.