મુંબઈ મીઠી નદી કૌભાંડ: રૂ.65 કરોડના ભ્રષ્ટાચારમાં વધુ બે કોન્ટ્રાક્ટરોની ધરપકડ
મુંબઈ: મુંબઈની જીવાદોરી ગણાતી મીઠી નદીમાંથી ગંદકી કાઢવાના કામમાં થયેલા આશરે રૂ. 65 કરોડના કૌભાંડના મામલામાં મુંબઈ પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ મીઠી નદીની સફાઈમાં થયેલા વ્યાપક ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ બંને ધરપકડ કરાયેલા વ્યક્તિઓ કોન્ટ્રાક્ટર છે અને તેમની ઓળખ સુનીલ ઉપાધ્યાય (ઉં.વ.54) અને મહેશ પુરોહિત (ઉં.વ.48) તરીકે થઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા બંને કોન્ટ્રાક્ટરોએ બોગસ સમજૂતી કરાર દ્વારા કામના કોન્ટ્રાક્ટ મેળવ્યા હતા. બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને 16 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ કૌભાંડના કેસમાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે ઠેકેદારોએ મીઠી નદીમાંથી નીકળેલી ગંદકીને મુંબઈની બહાર લઈ જવા માટે પણ નકલી બિલ બનાવ્યા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આ બિલને મંજૂરી આપી દીધી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા બંને કોન્ટ્રાક્ટર પર બીએમસી અધિકારીઓ, વચેટિયાઓ અને અન્ય લોકો સાથે મળીને 2013 થી 2023 ની વચ્ચે ડમ્પિંગ ગ્રાઉન્ડના નકલી MOU તૈયાર કરવાનો આરોપ છે. ધરપકડ કરાયેલો સુનીલ ઉપાધ્યાય એસએનબી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડિરેક્ટર છે, જ્યારે મહેશ પુરોહિત એમબી બ્રધર્સ નામની ફર્મમાં પાર્ટનર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં મીઠી નદીની સફાઈ દર વર્ષે ચોમાસાની ઋતુ પહેલા કરાવવામાં આવે છે, કારણ કે આ નદી શહેરની વચ્ચેથી પસાર થાય છે અને કચરાથી ભરાયેલી રહે છે. વરસાદના સમયમાં આ નદીનું પાણી શહેરમાં ભરાઈ જવાના કારણે તેના ડીસિલ્ટિંગનું કાર્ય અત્યંત મહત્ત્વનું ગણાય છે.