મુંબઈ હુમલો: કોર્ટે NIA ને તહવ્વુર રાણાના અવાજ અને હસ્તાક્ષરના નમૂના રેકોર્ડ કરવાની મંજૂરી આપી
નવી દિલ્હી : દિલ્હીની એક કોર્ટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાના અવાજ અને હસ્તાક્ષરના નમૂના એકત્રિત કરવાની મંજૂરી આપી છે. NIA સ્પેશિયલ કોર્ટના જજ ચંદર જીત સિંહે રાણાની કસ્ટડી 12 દિવસ માટે લંબાવી હતી. તેમણે તપાસ એજન્સી દ્વારા દાખલ કરાયેલી અરજી પર આદેશ પસાર કર્યો હતો. 26/11ના મુખ્ય કાવતરાખોર ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીના નજીકના સાથી રાણાને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. રાણા એક અમેરિકન નાગરિક છે અને 4 એપ્રિલના રોજ, યુએસ સુપ્રીમ કોર્ટે ભારત પ્રત્યાર્પણ સામેની તેમની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી.
26 નવેમ્બર2008ના રોજ, 10 પાકિસ્તાની આતંકવાદીઓના એક જૂથે દરિયાઈ માર્ગે ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ઘૂસણખોરી કર્યા પછી એક રેલ્વે સ્ટેશન, બે વૈભવી હોટલ અને એક યહૂદી કેન્દ્ર પર હુમલો કર્યો હતો. લગભગ 60 કલાક સુધી ચાલેલા આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા.