ભારત-આફ્રિકી દેશો વચ્ચે ચાંચિયાગીરી સામે બહુપક્ષીય કવાયત શરૂ
નવી દિલ્હીઃ ભારત અને આફ્રિકી દેશો વચ્ચે સમુદ્રી સહયોગ સુદ્રઢ બનાવવાના ભાગ રૂપે પ્રથમ બહુપક્ષીય અભ્યાસ આફ્રિકા-ઇન્ડિયા કી મેરીટાઇમ એંગેજમેન્ટ-AIKEYME 18 એપ્રિલ સુધી આયોજીત કરવામાં આવશે. સંસ્કૃતમાં 'ઐક્યમેય'નો અર્થ એકતા થાય છે. આ દરિયાઈ કવાયત તાંજાનિયાના દાર-એ-સલામમાં યોજાઈ રહી છે. જેમાં ભારત અને તાંજાનિયા સહ યજમાન રહેશે. આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ક્ષેત્રીય સુરક્ષા અને વિકાસના દ્રષ્ટિકોણને અનુરૂપ છે. INS ચેન્નઇ અને INS કેસરી દારેસલામ પહોચતાં તાંજાનિયા પિપલ્સ ડિફેન્સ ફોર્સ સાથે ઉદ્ઘાટન સમારોહ આયોજીત થયો હતો. અભ્યાસમાં ટેબલ ટોપનો કમાન્ડ ગતિવિધી, સંયુક્ત નૌસૈનિક અભ્યાસ, વિઝીટ બોર્ડ સર્ચ અને સિઝર સહિતના ઓપરેશનનો સમાવેશ કરાયો છે.
13થી 18 એપ્રિલ દરમિયાન વિવિધ દેશોની નૌકાદળો વચ્ચે યોજાનારી આ કવાયતમાં કોમોરો, જુીબુતી, એરિટ્રિયા, કેન્યા, મેડાગાસ્કર, મોરેશિયસ, મોઝામ્બિક, સેશેલ્સ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો ભાગ લઈ રહ્યા છે. આ કવાયતમાં સૌપ્રથમ રવિવારથી શરૂ થયેલ બંદર તબક્કો છે. આ તબક્કા દરમિયાન 15 એપ્રિલ સુધી અનેક લશ્કરી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રવૃત્તિઓમાં ચાંચિયાગીરી વિરોધી કામગીરીનો સમાવેશ થાય છે. માહિતી શેરિંગ પર કેન્દ્રિત ટેબલ ટોપ અને કમાન્ડ પોસ્ટ કસરતો પણ હાથ ધરવામાં આવશે. તાંજાનિયા પીપલ્સ ડિફેન્સ ફોર્સ સાથે સહયોગમાં સીમેનશિપ અને વિઝિટ, બોર્ડિંગ, સર્ચ અને જપ્તી તાલીમ પણ હશે. અહીં લશ્કરી કર્મચારીઓ વચ્ચે રમતગમત સ્પર્ધાઓ અને યોગ સત્રો પણ યોજાશે. વધુમાં, સ્થાનિક લોકો સાથે જોડાવા માટે ભારતીય નૌકાદળના જહાજો સામાન્ય લોકો માટે ખુલ્લા મૂકવામાં આવશે.
આ દરમિયાન, સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠ પણ તાંજાનિયા પહોંચી ગયા છે. તેમણે ત્યાં ભારતીય હાઈ કમિશનર બિશ્વદીપ ડે અને અન્ય અધિકારીઓને મળ્યા. સંરક્ષણ રાજ્યમંત્રીના જણાવ્યા અનુસાર, તેમણે અહીં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડૉ. ઇમેન્યુઅલ નચિંબી સાથે પણ સૌહાર્દપૂર્ણ મુલાકાત કરી હતી.
આ લશ્કરી કવાયતનો ભાગ બનવા માટે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો INS ચેન્નાઈ અને INS કેસરી પણ તાંજાનિયાના દાર-એ-સલામ બંદરે પહોંચી ગયા છે. નૌકાદળ કવાયત 'અક્યામેયા'નો ઉદ્ઘાટન સમારોહ સહ-મેજબાની આ જહાજો પર તાંજાનિયન પીપલ્સ ડિફેન્સ ફોર્સ સાથે કરવામાં આવી રહી છે. તાંજાનિયામાં ભારતીય જહાજોનું સ્વાગત કરવામાં આવ્યું. INS ચેન્નાઈ પર ભવ્ય ગાર્ડ ઓફ ઓનરનું આયોજન કરવામાં આવ્યું હતું. તાંજાનિયન પીપલ્સ ડિફેન્સ ફોર્સ અને ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા બંને દેશોના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા.
હાર્બર ફેઝમાં ઉદ્ઘાટન સમારોહ અને ઔપચારિક ડેક રિસેપ્શન યોજાયું હતું જેમાં સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠ અને તાંજાનિયાના સંરક્ષણ મંત્રી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ભારતીય નૌકાદળ દ્વારા આ પહેલ મિત્ર દેશોના નૌકાદળો વચ્ચે આંતર-કાર્યક્ષમતા અને સંયુક્ત કામગીરીને મજબૂત બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. તે ભારત અને આફ્રિકન દેશો વચ્ચેના મજબૂત અને મૈત્રીપૂર્ણ સંબંધોને પણ રેખાંકિત કરે છે. ભારત અને આફ્રિકા દરિયાઈ સુરક્ષાને ખૂબ મહત્ત્વ આપે છે. આ દેશોએ દરિયાઈ સુરક્ષા માટેના જોખમો જેમ કે ચાંચિયાગીરી, દાણચોરી સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, અનિયંત્રિત અને બિન-રિપોર્ટેડ માછીમારીનો સામનો કરવા માટે માહિતીની વહેંચણી અને દેખરેખ દ્વારા સહયોગ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.