એમએસ ધોનીને હિન્દી અને અંગ્રેજી ઉપરાંત આ ભાષામાં કોમેન્ટ્રી સાંભળવી ગમે છે
ભારતીય ક્રિકેટ દિગ્ગજ એમએસ ધોનીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં પ્રાદેશિક ભાષામાં કોમેન્ટ્રીની પહેલની પ્રશંસા કરી છે. તેમણે ભોજપુરી કોમેન્ટ્રીની પ્રશંસા કરી અને તેને "ઊર્જાવાન" ગણાવી હતી. ધોનીએ કહ્યું છે કે ભોજપુરી કોમેન્ટ્રી મને જૂના સમયની રેડિયો કોમેન્ટ્રીની યાદ અપાવે છે. ભોજપુરીએ IPL 2023 દરમિયાન કોમેન્ટ્રી ફીડમાં પોતાનું ડેબ્યૂ કર્યું છે. આ વર્ષે, IPL ની 18મી સીઝન 12 ભાષાઓમાં 16 ફીડ્સ પર લાઇવ સ્ટ્રીમ થઈ રહી છે. જેમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી, હરિયાણવી, બંગાળી, ભોજપુરી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ગુજરાતી અને પંજાબીનો સમાવેશ થાય છે.
ધોનીએ જણાવ્યું હતું કે, "મેં પ્રાદેશિક ભાષાની કોમેન્ટ્રી વધારે સાંભળી નથી કારણ કે જ્યારે આપણે લાઈવ મેચ જોઈએ છીએ, ત્યારે રિપ્લે મર્યાદિત હોય છે અને મોટાભાગની કોમેન્ટ્રી હું અંગ્રેજી અથવા હિન્દીમાં સાંભળું છું. આનાથી અમને રમતનું વધુ સારી રીતે વિશ્લેષણ કરવામાં મદદ મળે છે. વ્યક્તિગત રીતે, મને કોમેન્ટેટરી સાંભળવાનું પણ ગમે છે કારણ કે તેમાંના મોટાભાગના ભૂતપૂર્વ ખેલાડીઓ છે. જ્યારે હું એક સીઝનમાં 17 મેચ રમી શકું છું, તેઓ વિવિધ ટુર્નામેન્ટ અને દેશોમાં સેંકડો મેચોને આવરી લે છે. તેમને વિવિધ પરિસ્થિતિઓ અને ટીમો વિશે ઘણો અનુભવ છે."
ધોનીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેલાડીઓ તરીકે, અમે અમારી ટીમની શક્તિઓ અને નબળાઈઓ જાણીએ છીએ, પરંતુ કોમેન્ટ્રી સાંભળવાથી તમને બહારના વ્યક્તિનો દ્રષ્ટિકોણ મળે છે. આનાથી નવા વિચારો આવે છે. જેમ કે 'આપણે આ અભિગમ કેમ ન અજમાવીએ?' "મેં બહુ પ્રાદેશિક કોમેન્ટ્રી સાંભળી નથી, પણ હું જાણું છું કે બિહારી (ભોજપુરી) કોમેન્ટ્રી ખૂબ જ ઉત્સાહી હોય છે. તે મને જૂના જમાનાની રેડિયો કોમેન્ટ્રીની યાદ અપાવે છે જ્યાં કોમેન્ટેટર્સ ખૂબ જ સામેલ રહેતા હતા. મને તે ખૂબ જ રસપ્રદ લાગે છે. ઘણા લોકો તેમની પ્રાદેશિક ભાષામાં સાંભળવાનું પસંદ કરે છે - તે તેમની માતૃભાષા છે, અને તેઓ રમતનો આ રીતે અનુભવ કરવા માંગે છે. મને હરિયાણવી કોમેન્ટ્રી સાંભળવી ગમશે કારણ કે તે એકદમ અનોખી છે," ધોનીએ ઝી હોટસ્ટારના 'ધ એમએસ ધોની એક્સપિરિયન્સ' પર કહ્યું.