ભ્રષ્ટાચાર કેસમાં ઇમરાન ખાન-બુશરા બીબી દોષિત, કોર્ટે ઈમરાનને 14 વર્ષની જેલની સજા ફટકારી
પાકિસ્તાનની એક કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવ્યા છે. પૂર્વ પીએમ ઇમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જ્યારે તેમની પત્ની બુશરા બીબીને પણ સજા ફરમાવી છે. ઇમરાન ખાનને 10 લાખ રૂપિયાનો, જ્યારે તેમની પત્નીને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો બંને દંડ ભરવામાં નિષ્ફળ જાય, તો ભૂતપૂર્વ વડા પ્રધાનને છ મહિનાની જેલની સજા ભોગવવી પડશે અને બુશરાને ત્રણ મહિનાની જેલની સજા ભોગવવી પડશે.
અહેવાલ મુજબ, બુશરા બીબીને ઉચ્ચ સુરક્ષા વચ્ચે કોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઇમરાન પહેલાથી જ જેલમાં છે. ચૂંટણી પછી તરત જ 27 ફેબ્રુઆરી, 2024 ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. સુનાવણી પહેલા, પીટીઆઈના અધ્યક્ષ બેરિસ્ટર ગોહર અલી ખાને મીડિયાને જણાવ્યું હતું કે જો છેલ્લા બે વર્ષમાં થયેલા અન્યાયના આધારે ન્યાયી નિર્ણય લેવામાં આવે તો ઇમરાન અને બુશરાને નિર્દોષ જાહેર કરવામાં આવશે. અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં પાકિસ્તાનની કોર્ટે તેમને 14 વર્ષની જેલની સજા ફટકારી છે. આ મામલો ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. આ કેસમાં તેમની પત્ની બુશરા બીબીને પણ દોષિત ઠેરવવામાં આવી છે અને તેમને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ નિર્ણયની જાહેરાત ન્યાયાધીશ નાસિર જાવેદ રાણાએ અડિયાલા જેલ ખાતેની અસ્થાયી અદાલતમાં કરી હતી.
રિપોર્ટ અનુસાર, એવો આરોપ છે કે ઇમરાન અને બુશરા બીબીને બહરિયા ટાઉન લિમિટેડ પાસેથી અબજો રૂપિયા અને સેંકડો કનાલ જમીન મળી હતી. આ રકમ યુનાઇટેડ કિંગડમ દ્વારા પાકિસ્તાનને પરત કરાયેલા 50 અબજ રૂપિયાને કાયદેસર બનાવવા માટે આપવામાં આવી હતી. ડિસેમ્બર 2023 માં, ઇસ્લામાબાદની એકાઉન્ટેબિલિટી કોર્ટે આ કેસમાં ચુકાદો સંભળાવવા માટે 6 જાન્યુઆરીની તારીખ નક્કી કરી હતી. જોકે, ન્યાયાધીશની ગેરહાજરી અને અન્ય કારણોસર નિર્ણયમાં વિલંબ થયો હતો.
નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) એ ડિસેમ્બર 2023 માં ઇમરાન અને અન્ય સાત લોકો સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો. તેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ઇમરાને બહરિયા ટાઉનના જમીન ચુકવણી ખાતામાં ગેરકાયદેસર રીતે રાજ્ય ભંડોળ ટ્રાન્સફર કર્યું હતું. અન્ય આરોપીઓમાં પ્રોપર્ટી ટાયકૂન મલિક રિયાઝ હુસૈન, તેમના પુત્ર અને પીટીઆઈ સરકારના ભૂતપૂર્વ અધિકારીઓનો સમાવેશ થાય છે.