ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં PM મોદી અને રાહુલ ગાંધી સહિતના સાંસદોએ કર્યું મતદાન
નવી દિલ્હી : આજે દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. એનડીએ તરફથી મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન જ્યારે વિપક્ષની તરફથી ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી ઉમેદવાર છે. ચૂંટણીને લઈ રાજકીય સમીકરણોમાં રસપ્રદ વળાંક આવ્યો છે, કારણ કે બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. સાથે જ શિરોમણી અકાલી દળએ પણ ચૂંટણીમાં ભાગ ન લેવા જાહેર કર્યું છે. પંજાબના અપક્ષ સાંસદ સરબજીત સિંહ ખાલસા અને અમૃતપાલ સિંહે પણ મતદાનનો બહિષ્કાર કર્યો છે.
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધીએ મતદાન કર્યું હતું. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે અને ભાજપ નેતા નીતિન ગડકરી એકબીજાના હાથ પકડીને મતદાન કરતા જોવા મળ્યા હતા. મતદાનની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મતદાનથી કરી હતી.
મતદાન પૂર્વે એનડીએ ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન દિલ્હીના લોધી રોડ સ્થિત શ્રી રામ મંદિરમાં પૂજા કરવા ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, "આ ચૂંટણી ભારતીય રાષ્ટ્રવાદ માટે મોટી જીત સાબિત થશે. અમે સૌ એક છીએ અને એક રહીશું. ભારતને વિકસિત ભારત બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે." હવે દેશની નજર ચૂંટણી પરિણામ પર છે, જે નક્કી કરશે કે આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે.