અમદાવાદની વર્ષો જુની વી એસ હોસ્પિટલ આરોગ્ય કેન્દ્રમાં ફેરવવા હિલચાલ
- એએમસીના સત્તાધિશો V S હોસ્પિટલને અન્યત્ર ખસેડવાની પેરવીમાં,
- એક જમાનાની જાણીતી હોસ્પિટલને ખંડેર બનાવી દીધી,
- હોસ્પિટલમાં અનેક જગ્યાઓ ખાલી, VSના ભોગે SVPનો કરાતો વિકાસ
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. સંચાલિત વીએસ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન હતી, ભાજપ શાસિત મ્યુનિના સત્તાધિશોએ મ્યુનિની એસવીપી હોસ્પિટલને વિકાસ કરવામાં વીએસ હોસ્પિટલનો ભાગ લેવાયો છે, એસ.વી.પી. ચાલુ થયા પછી મોટાભાગની સર્જરીના કામકાજ વી.એસ.માં કરવામાં આવતા જ નથી. વી.એસ. હોસ્પિટલમાં અત્યારે ગાયનેક, પીડિયાટ્રીક, ઓર્થોપેડિક અને ઓપીટી ચલાવવામાં આવી રહ્યા છે. બાકીના બધાં જ દર્દીઓ ઓપીડીમાં સારવાર લઈ રહ્યા છે. હવે કહેવાય છે, મ્યુનિના સત્તાધિશો વીએસ હોસ્પિટલને આરોગ્ય કેન્દ્રમાં તબદીલ કરીને એના સ્થળાંતરનો પ્લાન ઘડી રહ્યા છે. તેની સામે વિરોધ ઊઠ્યો છે.
અમદાવાદ શહેર જ નહીં પણ ગુજરાતભરમાં જાણીતી અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનો મ્યુનિના ભાજપના સત્તાવાળાઓ વાવટો સંકેલી લેવાની ફિરાકમાં હોવાનું કહેવાય છે. 13મી ડિસેમ્બર 1931ના ચાલુ કરવામાં આવેલી વીએસ હોસ્પિટલને હવે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પલટી નાખીને તેને બીજા કોઈ સ્થળે ખસેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વી.એસ.નું અલગ સ્થળે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં રૂપાંતર કરી દેવાની પણ તૈયારી ચાલતી હોવાનું કહેવાય છે. એસ.વી.પી. ચાલુ થયા પછી મોટાભાગની સર્જરીના કામકાજ વી.એસ.માં કરવામાં આવતા જ નથી. વી.એસ. હોસ્પિટલમાં અત્યારે ગાયનેક, પીડિયાટ્રીક, ઓર્થોપેડિક અને ઓપીટી ચલાવવામાં આવી રહ્યા છે. બાકીના બધાં જ દર્દીઓ ઓપીડીમાં સારવાર લઈ રહ્યા છે. વી.એસ.માં સિટી સ્કેન અને સોનાગ્રાફી બંધ કરી દેવામાં આવી છે. અમ્યુકોએ ખર્ચ આપીને વીએસ હોસ્પિટને ચલાવવી ફરજિયાત છે. તેથી તેને બંધ કરી શકાય તેમ ન હોવાથી તેને સામુદાયિક હેલ્થ સેન્ટરમાં રૂપાંતરિત કરી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કદાચ તેને બીજી જગ્યાએ પણ ખસેડી લેવામાં આવે તેવી સંભાવનાને નકારી શકાતી નથી. વી.એસ.ના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ નિવૃત્ત થયા તે પછી તેમને સ્થાને નવી નિમણૂક કરવામાં આવી નથી. અમ્યુકો સંચાલિત એએમસી મેટના ક્લાર્કની કક્ષાના કર્મચારીને વી.એસ.ના સુપરિન્ટેન્ડન્ટનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. બીજું, વીએસમાં 279થી વધુ જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ પર નવી નિમણૂક કરવામાં આવતી જ નથી. સૌથી મોટી ડેપ્યુટી ડાયરેક્ટરની જગ્યા ખાલી પડેલી છે. તદુપરાંત જુનિયર ક્લાર્કની 50, સ્ટાફનર્સની 25, આયાની 29 અને વોર્ડ બોયની 58 જગ્યાઓ ખાલી પડી છે. દસેક વર્ષથી નવી ભરતી જ કરવામાં આવતી નથી.