ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા રાજકીય પક્ષોમાં સળવળાટ
• ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે,
• 4765 ગ્રામ્ય પંચાયત ચુંટણીઓ પણ યોજાશે,
• 27 ટકા ઓબીસી અને જ્ઞાતિ સમિકરણો મહત્વના બનશે
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મોસમ જામશે. જેમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત તેમજ 17 જેટલી તાલુકા પંચાયતો, તથા 4765 ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી એક-દોઢ મહિનામાં યોજાય એવી શક્યતા છે. આ ઉપરાંત 80 જેટલી નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ યોજાશે. 27 ટકા ઓબીસી અનામત સાથે તમામ ચૂંટણીઓ યોજાશે, અને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હવે ગમે તે સમયે જાહેરનામું બહાર પડી જશે.
સૂત્રોના જણાવ્યા મુજબ બે જિલ્લા પંચાયત,17 તાલુકા પંચાયત અને 80 નગરપાલિકા તેમજ 4765 જેટલી ગ્રામ પંચાયતોની મુદત મહિનાઓ પહેલા પૂર્ણ થઈ છે. અને હાલ ઘણી પંચાયતોમાં વહિવટદારોનું શાસન છે. એક કે દોઢ મહિનામાં પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા છે. રાજયમાં પ્રથમ વખત 27% ઓબીસી અનામતની જોગવાઈ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. તેથી ઓબીસી સમાજના મતદારોને રિઝવવા ભાજપ અને કોંગ્રેસે પ્રયાસો શરૂ કર્યા છે. માઈક્રોલેવલે યોજાતી આ ચુંટણીમાં જ્ઞાતિ-જાતિ સમુદાય વિગેરે મહત્વના ફેકટર બનશે. કારણ કે ઓબીસી જે વસતિના 50% આસપાસ હોવાનો અંદાજ છે. ઓબીસી ફેકટર કેવું અસરકારક હશે તે પ્રશ્ન છે. ભાજપે તેની તૈયારીના ભાગરૂપે દરેક જિલ્લા પ્રભારી મંત્રીઓ તથા પક્ષના સંગઠન-જિલ્લા પ્રભારીઓને તેમના જિલ્લાઓની જવાબદારી સોંપી છે.
કોંગ્રેસ ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જબરી પછડાટ ખાધી હતી અને માંડ 17 બેઠકો જીત્યા બાદ પણ પાંચ ધારાસભ્યોના પક્ષાંતર અને હાલમાં વાવ પેટાચૂંટણીમાં પરાજય પછી તેને ગ્રામીણ કક્ષાએ ફરી તેનું અસ્તિત્વ બચાવવા આ ચૂંટણી મહત્વની છે. ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમા હજું પણ કોંગ્રેસનું અસ્તિત્વ છે. તેને પુન: જીવિત કરીને આગામી ધારાસભા ચૂંટણી માટે સંગઠન સહિતની નવરચનામાં પણ કોંગ્રેસ માટે તક છે. પક્ષનું સંગઠન માળખુ પણ ‘એડહોક’ છે તો ગ્રામીણ સહિતના ક્ષેત્રોની સમસ્યાઓનો કોઈ અંત જ નથી. આથી કોંગ્રેસ તેના મુદાઓ ઉઠાવીને પછી તેના આધારે ભાજપને ટકકર આપી તેને અસ્તિત્વ મજબૂત કરવા માટે તક મળી શકે છે. રાજય વિધાનસભાનું સત્ર ફેબ્રુઆરીના મધ્યથી શરૂ થશે અને તે પુર્વે સમગ્ર પ્રક્રિયા પુરી કરવા માટે ચુંટણીપંચ આગળ વધી રહ્યું છે.