કડકડતી ઠંડીમાં માઉન્ટ આબુ થીજી ગયું, ચારેબાજુ બરફની ચાદર છવાઈ
- હીલ સ્ટેશનમાં થર્ટી ફર્સ્ટને લીધે પ્રવાસીઓ ઉમટી પડ્યા,
- પ્રવાસીઓએ દિવસે બર્ફિલો નજારો માણ્યા બાદ સાંજ પડતા હોટલમાં પુરાઈ જાય છે,
- થર્ટી ફર્સ્ટની ઊજવણીનું અનેક હોટલો દ્વારા કરાયુ આયોજન
અમદાવાદઃ ગુજરાતની સરહદ પર રાજસ્થાનમાં આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુનું તાપમાન માઈનસમાં જતાં ચારેબાજુ બરફની ચાદર પથરાઈ છે. ત્યારે થર્ટી ફર્સ્ટને મનાવવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. કડકડતી ઠંડીમાં પણ પ્રવાસીઓ બર્ફિલી મોજ માણી રહ્યા છે. દિવસ દરમિયાન હરવા ફરવા મોજ મસ્તી કરીને પ્રવાસીઓ સાંજ પહેલા જ ઠંડીને લીધે હોટલમાં પુરાય જાય છે. વેપારીઓ પણ રાતે વહેલી દુકાનો બંધ કરી દેતા હોય છે.
પશ્ચિમ ભારતના એકમાત્ર હિલ સ્ટેશન અને રાજસ્થાનના કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં એક જ દિવસમાં આઠ ડિગ્રી તાપમાનનો પારો ગગડતાં ગઈકાલે માઈનસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગુરુશીખર પર લઘુતમ તાપમાન માઇનસ છ ડિગ્રી નોંધાયું હતું. ઠંડીનો પારો ગગડતાં માઉન્ટ આબુના વિવિધ મેદાની સ્થળોએ બરફની ચાદર છવાઈ ગઈ હતી. દરમિયાન થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા મોટી સંખ્યામાં પર્યટકો માઉન્ટ આબુ ઉમટી રહ્યા છે, ત્યારે તાપમાનનો પારો ગગડતાં અહીં આવેલા સહેલાણીઓ પણ આ કડકડતી ઠંડીની મોજ માણી રહ્યા છે.
માઉન્ટ આબુમાં ત્રણ-ચાર દિવસ પહેલા વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન પ્લસમાં નોંધાયું હતું પરંતુ વાદળો વિખેરાતાં રવિવારે તાપમાનમાં એક જ દિવસમાં આઠ ડિગ્રી ઘટાડો થતાં રવિવારે માઇનસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે સોમવારે પણ બપોરનું તાપમાનમાં પ્લસમાં હતું પણ રાતના તાપમાન માઈનસમાં જશે. દરમિયાન થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં અહીં એક લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી આવનારા વર્ષને વધાવવા માટે પહોંચી રહ્યા છે જ્યારે માઉન્ટ આબુની હોટેલોને પણ પર્યટકો માટે સજાવાઈ રહી છે.